ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો ૪૦ બેઠક સાથે ભવ્ય વિજય

661

કોંગ્રેસને ત્રણ અને આપને માત્ર એક જ બેઠક મળી,ભાજપને ૧૦ વર્ષમાં પહેલી વખત સ્પષ્ટ બહુમતી મળી, પક્ષમાં જોરદાર ઉજવણીનો માહોલ
ગાંધીનગર, તા.૫
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આખરે જાહેર થઈ ગયા છે અને ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે. ગાંધીનગરની ૪૪ બેઠકો પૈકી ૪૦ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર ૩ અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને ૧૦ વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે. ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ છે.

ગાંધીનગર કોર્પોરેશન ઉપરાંત, અન્ય નગરપાલિકાઓમાં થયેલી પેટાચૂંટણીમાં પક્ષના દેખાવની ઉજવણી કરાશે. આ સિવાય થરા અને ઓખા નગરપાલિકામાં પણ ભાજપનો વિજય થયો છે. બપોરે ૧૨.૩૦ કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. ૧, ૪, ૫, ૭, ૮, ૯ અને ૧૦માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ ૩૪થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્‌સ અનુસાર, વોર્ડ નં.૬માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.૩માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.૨માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી. રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.

Previous articleઆઇપીએલઃ પંજાબનો કે.એલ.રાહુલ ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાને
Next articleચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના ૧૮૩૪૬ નવા પોઝિટિવ કેસ