ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા યથાવત

617

ભંડારીયામાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન આપ્યા વિના શાસ્ત્રોક્ત વિધી અનુસાર નવરાત્રિ ઉજવાય
ભાવનગર પાસેના ભંડારિયા ગામમાં આવેલા બહુચરાજી માતાના સ્થાનકે ઉજવાતા નવરાત્રિ મહોત્સવની 300 વર્ષ કરતા પણ જૂની પરંપરા ચાલી આવી રહી છે. આ પરંપરા મુજબ અહીં ઉજવાતા નવરાત્રિ ઉત્સવમાં આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતીની મહેક આવે છે. આ ગામમાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન આપ્યા વિના શાસ્ત્રોક્ત વિધી અનુસાર નવરાત્રિ ઉજવાય છે. સાથે નવરાત્રિ દરમિયાન માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ધાર્મિક-ઐતિહાસીક નાટકો યોજવામાં આવે છે. ભંડારિયાની ભવાઇ ખુબ જાણીતી અને લોકપ્રીય છે. ભંડારિયાની ભવાઇ જોઇને દાતાના રાજવીએ મુંડકી વેરો માફ કરેલો. જે વાતનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે.

આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઇ વેશો ભજવાતો હતા. ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં ‘ગોખ’ પાસે ભવાઇ ભજવવા જવાનું નક્કી કર્યું. ત્યાના રજવાડામાં એવો એક નિયમ હતો કે બ્રાહ્મણ હોય તે જ વ્યક્તિ ભવાઇ વેશ માતાજીનાં ગોખની સામે પડમાં રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતા જે હજું આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે. ભંડારિયાના લોકો એ ત્યાં ભવાઈ વેશ ભજવીને ત્યાના રાજવીઓને ખુશ કર્યા. ત્યારે ત્યાના રાજવીરે પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરૃષ, અબાલ વૃદ્ધ બાળકોનો ‘મુંડકાવેરો’ ન લેવાનો આદેશ આપી તમામ ભવાઇ વેશના કલાકારોનું બહુમાન આપી નવાજ્યાં હતાં. ભંડારિયામાં આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને નાટક રમવાનું શરુ કરે છે.

ભંડારિયાના મણેકચોકમાં રમાતી ભવાઇ બગદાણાવાળા બજરંગદાસ બાપા પણ નીહાળવા આવતા. ભંડારિયામાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયનાં બદલાતા વ્હેણ સાથે ભવાઇનાં સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવા માટે પણ બહારગામથી લોકોની ભીડ જામે છે. આજેય પણ ભંડારિયા ગામમાં આ ચોકમાં ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. તેમજ આ નાટક જોવા આવનાર દરેક વ્યક્તિને એક સમાન જ આસન છે. કોઈ પણ નેતા હોય કે કલેક્ટર આજે પણ આ નાટકમાં આ ચોકમાં ઉંચા આસને બેસી ના શકે. ભવાઈની શરૂઆતમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ચોકમાં માતાજીની માંડવી પધરાવવામાં આવે છે, ત્યારે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવે છે. આમ પારંપરિક વાદ્યો સાથે માણેકચોકમાં ભવાઈ નાટક ભજવવામાં આવે છે. રોજ બરોજ નાટકો ભજવવામાં આવે છે. અહીં ભવાઈ નાટક રમતા લોકો સરકારી નોકરિયાત, બિજનેશમેન પણ છે, પરંતુ સહુ કોઈ માતાજીને રાજી કરવા માટે તેમને આપવામાં આવેલો વેશ કોઇપણ સેહ શરમ વિના ભજવે છે. ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણુ થતું નથી. નાટક દરમિયાન ‘વન્સ મોર’ને અહિયાં સ્થાન નથી. મંદિરમાં ભુવા ડાક કે ધુણવા દેવામાં આવતા નથી. અહીં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાતી નથી. માત્ર ‘અંબે માતકી જય…’ એમ જ બોલાય છે અને નાટકના અંતે માતાજીનો ‘મુજરો’ (સ્તુતિ) કરવામાં આવે છે. જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષો ઘુંઘટ તાણી અને મંદિરમાં માતાજીની સ્તુતિ કરે છે અને સહુ કોઈ સ્તુતિમાં ભાગ લે છે. આઠમનાં દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે.