ગુજરાત પોલીસના આંદોલનને સમર્થન આપવા ભાવનગર શહેર કોંગ્રેસ મેદાને, કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા યોજ્યા

7

પોલીસના આત્મસન્માન માટે સામે ચાલીને ધડપકડ વહોરીશુઃ કોંગ્રેસ શહેર પ્રમુખ
રાજ્યમાં પોલીસ જવાનો દ્વારા ગ્રેડ-પે વધારવા સાથે કામના કલાકો નિયત કરવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર અઘોષિત રીતે આંદોલન છેડ્યું છે. જેને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા યોજ્યા હતા.

દિનપ્રતિદિન રાજ્યમાં ગુજરાત પોલીસનું આંદોલન વેગ પકડી રહ્યું છે, ત્યારે આમ આદમીપાર્ટી અને કોંગ્રેસ પક્ષે આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. જે અન્વયે આજે ગુરૂવારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાત પોલીસના સમર્થનમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને આવેદનપત્ર આપ્યું હતું અને ધરણાં યોજ્યા હતાં.

આ અંગે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ઘર-પરિવાર છોડીને પોતાની ફરજ બજાવે છે. દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત પોલીસને સૌથી ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે. જેથી આ અન્યાય સામે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસના સમર્થનમાં મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી ગ્રેડ-પેમાં વધારો કરવા અને કામના કલાકો -ફરજનો સમય નિર્ધારિત કરવાની માંગ સાથે ધરણાં યોજ્યાં છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, આ તબ્બકે ભાવનગર પોલીસનું મોરલ ડાઉન ન થાય તે માટે પોલીસ અમારી ધડપકડ કરે એ પૂર્વે અમે સામે ચાલીને ધડપકડ વહોરીશુ. પરંતુ પોલીસને ન્યાય અપાવીને જ જંપીશું પોલીસની કોઈ યુનિટી કે સંગઠન નથી. ત્યારે કોગ્રેસ પોલીસ વિભાગની સાથે જ છે અને રહેશે.