દિકરીઓની કાળજી-સુરક્ષા માટે વિશેષ ‘લાડકી’ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને શરૂ કરાયો

315

દેશને સક્ષમ બનાવવા આજના બાળકને સારા સંસ્કારોની સાથે સામાજિક જવાબદારીઓ પણ સમજાવી અત્યંત આવશ્યક : પરિવર્તન એ દૂરથી નહીં, પરંતુ પોતાનાથી જ શરૂ થાય તો તે વધુ અસરકારક નીવડતું હોય છે – કલેક્ટર
શૈશવ દ્વારા દિકરીઓની કાળજી અને સુરક્ષા માટે વિશેષ ‘લાડકી’ કાર્યક્રમનો પ્રારંભ બાળકોના અધિકાર અને વિકાસ માટે અઢી દાયકા ઉપરાંતથી કાર્યરત ’શૈશવ સંસ્થા’ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૪મી નવેમ્બર “રાષ્ટ્રીય બાળ દિન” તથા તા.૨૦મી નવેમ્બર “આંતરરાષ્ટ્રીય બાળ દિન” તથા ભાવનગરની મૂર્ધન્ય કેળવણીકાર ત્રિપુટી નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીનાં જન્મદિન નિમિત્તે બાળ અધિકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે બાળ અધિકાર સપ્તાહની વિશિષ્ટ ઉજવણી ભાવનગર કલેકટર યોગેશ નિરગુડેનાં અધ્યક્ષપદે જાણીતા વકતા અને કર્મશીલ નેહલબહેન ગઢવીના મુખ્ય મહેમાન પદે આજરોજ યોજાઇ હતી. શૈશવ સંસ્થા દ્વારા દિકરીઓની વિશેષ કાળજી, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને લઈ નવત્તર ‘લાડકી’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ કાર્યરત ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ની સેવાઓના ૧૦ વર્ષ પૂરા થતા તથા બાળકોના સંગઠન બાલસેનાના ૧૮ વર્ષ પૂર્ણ થતા કામગીરીનો અહેવાલ સંસ્થાના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરના તથા જિલ્લાના અન્ય શહેરોમાં બાળ સુરક્ષા યાત્રા, શેરી નાટક, પ્રદર્શન સાથે ટીમને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, બાળકો માટે બાળકોનાં અધિકારો બાબતે છેલ્લા ૨૮ વર્ષથી કામ કરતી આ સંસ્થાનો આભાર માનીએ એટલો ઓછો છે. સરકારી વિભાગો બાળકો પ્રત્યે કામ કરતાં હોય છે, પરંતુ આવી સંસ્થાઓ છે જે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કે, જેઓ ફક્ત બાળકો માટે કાર્યરત છે. દીકરો હોય કે દીકરી તેનો ઉછેર કરવો એ અગત્યનું પરિબળ છે. જેમ કોઈપણ છોડનો ઉછેર માટે સૂર્યપ્રકાશની જરૂર પડે તેવી જ રીતે બાળકનો ઉછેર કરવા પરિવારના હુંફની જરૂર પડે છે. લોકો સમાજ સુધારનાં બદલે બાળકને સુધારશે તો સમાજ આપોઆપ સુધરી જશે. તેમણે કહ્યું કે, લોકોને ભગતસિંહ જોઈએ છે, પરંતુ બીજાનાં ઘરમાં, કારણ કે લોકો પોતાનાનું બલિદાન સહન નથી કરતાં. આવી માનસિક્તાનાં બદલે પોતાના બાળકને ભગતસિંહ જેવા બનાવવાની તત્પરતા પરિવારમાં હોય તો સમાજ પણ સારો બનશે અને સમાજમાં આપોઆપ પરિવર્તન જોવા મળશે. પરિવર્તન એ દૂરથી નહીં પરંતુ પોતાનાથી જ શરૂ થાય તો તે વધુ અસરકારક નીવડતું હોય છે. આ તકે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાળ અધિકારનાં નિયમો અંગે છેવાડાનાં માણસ સુધી તેની માહિતી પહોંચાડવીએ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. આજનો બાળક એ આવતીકાલનો નાગરિક બનવાનો છે. દેશને સક્ષમ બનાવવા આજના બાળકને સારા સંસ્કારોની સાથે સામાજિક જવાબદારીઓ પણ સમજાવી અત્યંત આવશ્યક છે.
“દીકરો-દીકરી એક સમાન” આ સૂત્રને સમજાવતાં કલેકટરએ કહ્યું હતું કે, દીકરો અને દીકરી એક સમાન ત્યારે જ બને જ્યારે પોતાના મગજમાં આ વાત ગાંઠ બાંધી લો. ભ્રુણ હત્યા કરવાનાં બદલે દીકરો હોય કે દીકરી તેને સમાન હક આપી તેમને પોતાની જાતને સક્ષમ બનાવે તે માટેનાં સઘન પ્રયત્નો કરી પોતાની અને લોકોની માનસિક્તા બદલાવા બનતા તમામ પ્રયત્નો કરી સમાજને આગળ વધારી શકાશે. આજકાલનાં ટેકનોલોજીનાં યુગમાં ટેકનોલોજીએ એક વિકાસની હરણફાળ ભરી છે ત્યારે તેનો ઉપયોગ આપણે સકારાત્મક કે નકારાત્મક રીતે કરવો એ આપણાં પર નિર્ભર છે. આ પ્રસંગે જાણીતા વક્તા નેહલબેન ગઢવી, પૂર્વ સાંસદ રાજેન્દ્રભાઇ રાણા, જજ પી.પી.શાહ, જિલ્લા બાળ કલ્યાણ અધિકારી સહિતનાં અધિકારીઓ તથા ભાવનગરના પ્રબુધ્ધ નાગરિકો ઉપરાંત બાલસેનાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો
Next articleબોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ૬૦ લાખનો ડ્રેસ પહેર્યો