દોઢ વર્ષથી રેલ્વે સ્ટેડિયમને લાગેલા તાળાને ખોલવાની ચાવી કોની પાસે ?

5

લોકો પરેશાન, કંપાઉન્ડ હોલ ઠેકીને લોકોને અંદર જવું પડે છે : રેલ્વે તંત્ર તાકિદે યોગ્ય કરે તેવી માંગ
ભાવનગર પરા વિસ્તારમાં આવેલ રેલ્વે સ્ટેડિયમને છેલ્લા દોઢ વર્ષથી તાળા લગાવી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ દરવાજો ઠેકીને સ્ટેડિયમમાં જવું પડે છે તેમજ રેલ્વેના જ કર્મચારીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરાંત સવારે અને સાંજે વોકીંગ અને રનીંગ કરવા આવતા લોકોને પણ ગેટ બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી રેલ્વે સ્ટેડિયમને લાગેલા તાળાને ખોલવાની ચાવી કોની પાસે ?, તાળા ક્યારે ખુલશે ? રેલ્વે તંત્ર તાકીદે યોગ્ય કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ભાવનગર રેલવે સ્ટેડિયમને માર્ચ માસમાં જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી લઈ આજદિન સુધી સ્ટેડિયમના મેઈન ગેટ પર લાગેલા તાળાને ખોલવામાં આવ્યું નથી. હાલ કોરોનાની મહામારીનો ખૌફ ઘટી ગયો છે. તમામ ક્ષેત્રે જનજીવન રાબેતા મુજબ થઈ ચુક્યું છે. અન્ય રમત-ગમતના મેદાનો પણ શરૂ થઇ ગયેલા છે ત્યારે આ સ્ટેડિયમ પણ શરૂ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.