મળે જ્યાં માણા, તે છે મારા ગામડા

9

કોઈ પૂછે ગામડા એટલે શું ??? તો કે, જ્યાં ધૂળ, ઢેફાને પાણા હોય, ભિતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણાં હોયને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડાના ઓટા હોય, બળદના ઝોટા હોય, પડકારા હાકોટા હોય પણ માણા મનના મોટા હોય, ઈ માથે દેશી નળિયાં હોય, વીઘા એકના ફળ્યાં હોય , બધા હૈયા બળ્યા પછી મોભને ભલે ટેકા હોય, જ્યાં ગાય ગોબરનો છાણો હોય તુલસી કેરો ક્યારો હોય.તમે કેહતા હશો આ ભાઈ ગાંડા થઇ ગયા છે કે શું ??? ના ભાઈ ના, ગાંડા નહિ પણ આ તો દિવાળીના વેકેશનમાં માદરે વતન ગયો તો થયું લાવને થોડી ઘણી, આજ મારા ગામડાની વાત શેર કરું. શેર વસ્તુ જ એવી છે એની જેટલી આપ લે કરો તેટલી ઓછીને ઓછી જ પડે, તે પછી શેર બઝારના શેર, જંગલના શેર કે શેરો શાયરીના શેર અને છેલ્લે બાકી રહેલો શેર એટલે કે મનની વાતોને લોકો સમક્ષ રજુ કરો એ ઇંગલિશ વાળુ શેર. એક શેર અને એના પણ આટલા બધા અલગ અલગ રીતે વર્ણન મ.મ.મ.મ.મ. જી, હા, ગુજરાતી ભાષા છે જ એવી કે વાત એક અને વિસ્તરણ અનેક ઈ છે ગુજરાતીનો વિનય વિવેક. વાત નીકળી છે ગામડાની તો આજે આપણે ગામડાની દેશી ભાષામાં વાત કરીશું. મારુ ગામ કાઠિયાવાડમાં આવેલ અમરેલી જિલ્લાનું ધારી ગામ, શેત્રુંજય, ઢેઢયો અને નાતળિયો એમ ત્રિવેણી સંગમના કિનારે વસેલું છે મારુ ગામ, વસ્તી ભલે હોય ૨૫૦૦૦ પણ ગામના લોકો છે એક એ હજાર એટલે કે બધી રીતે કુશળ અને પારંગત. આમ તો દરેકને પોતાનું ગામ વહાલું જ હોય છે એટલે જ તો આજે પણ વારે તહેવારે મોટો કરોડપતિ હોય કે મધ્યમવર્ગી કોક ગાડીની કિક મારીને તો કોઈક ચપટી વારમાં ગાડીની ગેર બદલી સીધો વતન પોંહચી જાય છે અને હવે તો ચાર્ટર્ડ પ્લેનની પણ સુવિધા છે તો ઘણા ઉદ્યોગપતિ પોતાનું પ્રાયવેટ વિમાન પણ રાખે છે જેથી ચપટી વારમાં ધાર્યા સ્થળે પોંહચી શકે. ગામડાની વાત કરતા કવિ કહે છે કે શું જાણે નાખ્યું છે આમાં વાટીને, નહિ તો આમ જ ન બોલાવે આ માટી જ માટીને. આ તો વાત કરી બધી કહેવતની ભાષામાં હવે ચાલો વાત કરું તમને આપણા જનરેશનની જેમ પ્રેક્ટિકલ ભાષામાં કે ગામડું એટલે કે જ્યાં ટેલિફોન રણકે ને મોબાઈલ સાંભળે, જ્યાં રોટલા ચોળાય અને બ્રેડ જોવે બેઠા બેઠા, જ્યાં લાડવા ગળસાય અને બિસ્કિટ મૌન પણે જોયા કરે, જ્યાં દૂધની રબડી બને અને મિલ્કશેક ઉભું ઉભું મલકાય, જ્યાં મગફળી શેકાય અને કબાબ હળવું સ્મિત કરે, જ્યાં ગોટી સોડા ધડામ કરતા ફૂટે તો પેપ્સી ને મિરીન્ડા પસીને રેપજેપ થાય, જ્યાં દીવો ઝગમગે ને ફેન્સી લાઇટિંગ સાઈડ પર લટકાય, જ્યાં સૂરજના તાપથી લોકો પરસેવે ન્હાય અને સ્ટીમ બાથ ચૂપ ચૂપ ખોખારા ખાય, જ્યાં નવતરાત્રીના રાહડા હોય અને ડીજે કર્ફ્‌યુની જેમ ઉભું અને છેલ્લે સુધી સમજાય એ માટે કે જ્યાં ભાખરી બોલે અને પિઝા સાંભળે અને જ્યાં ગાડીના હોર્ન કરતા વધારે ઝોરથી સામૈયા અને મંદિરના ઝાલરના રણકાર હોય એ શહેરથી વ્હલા એવા ૭૦૦ કિલોમીટર છેટા મારા ગામડા હોય. વતનની વાત તો જયારે તમે તેનાથી દૂર જાવ ત્યારેજ જ સમજાય એટલેજ આપણે સુરતમાં રહીને પંજાબી અને સાઉથ ઇન્ડિયન ખાઈએ છીએ અને ફરવા મનાલી, સિમલા કે કાશ્મીર જઈએ ત્યારે કઢી ખીચડી અને રોટલી કે ભાખરી યાદ કરીએ છીએ. ગામડા ગામની વિરાસત સાચવતા મારા ગામને સલામી આપતા બીજી તો મોટી કોઈ ધાળ નથી મારી પણ ગામના લોકોની જેમ મારી પેઢીને મારા મગજમાં આજીવન માટે જીવિત રાખી છે જેનું ઉદાહરણ છે ભાવિક, બિપીનકુમાર, મોહનલાલ, ભવાનભાઈ, મુળજીભાઈ, લાલભાઈ, રામભાઈ ધારી વાળાનો પરિવાર.
ભાવિક બી. જાટકીયા
સુરત-૮૪૬૦૮૮૫૯૫૪