મહુવાના માલણ, નિકોલ બંધારામાં બેરોકટોકપણે ફેંકાઈ છે દુષિત કચરો

159

તંત્રવાહકો ધોરણસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ : વેસ્ટેજ, પ્લાસ્ટીક, કપાયેલા વૃક્ષોની ડાળીઓ તેમજ દુષિત પ્રવાહીથી ખતરાની વકી
મહુવામાં માલણ અને નિકોલ બંધારામાં છેલ્લા ઘણા સમયથી અમુક ઇસમો દ્વારા બેરોકટોકપણે કચરો નાખવામાં આવે છે તેવા રોજીંદા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. જે સૌ કોઈ નિહાળી રહ્યા છે. તેમ આ હકીકત જગજાહેર હોવા છતાં સંબંધિત સત્તાધીશો દ્વારા જે તે ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેઓને છુટો દોર મળી રહ્યો હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.
મહુવા શહેરથી કતપર અને બંદર ગામ તરફ જતા માર્ગ પર બંને સાઇડ માલણ અને નિકોલ બંધારાનું પાણી વહી રહ્યુ છે અને તેનો બારેમાસ કપડા ધોવા અને ન્હાવા માટે આ વિસ્તારના ગ્રામજનો દ્વારા સરાજાહેર ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક ઇસમો દ્વારા આ બંધારામાં વેસ્ટેજ પ્લાસ્ટિક, કાપેલા વૃક્ષોની ડાળીઓ તેમજ અનેક પ્રકારનો દુષિત પ્રવાહી કચરો બેરોકટોકપણે નાખવામાં આવે છે. જો તંત્ર દ્વારા આ ગંભીર બાબતે તલસ્પર્શી તપાસ કરવામાં આવશે નહીં અને આ પ્રવૃત્તિ હજુ પણ શરૂ રહેશે તો ભવિષ્યમાં કોઈ હરામખોર દ્વારા કેમિકલયુક્ત કચરો આ પાણીમાં નાખી દેવામાં આવશે તો પાણીજન્ય રોગો ફેલાવાની પૂરી સંભાવના વર્તાઈ રહી છે તો તેમાં જવાબદારી કોની રહેશે. આ માલણ અને નિકોલ બંધારાનું પાણી બંધારો ઓવરફલો થઈને દરિયામાં વહેતું હોય છે જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર પણ જીવલેણ સમાન મોટો ખતરો બની જશે તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરી વહેલી તકે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Previous articleભાવનગર પોલીસની સમાજ ઉપયોગી માનવતાલક્ષી પ્રશંસનીય કામગીરી
Next articleકીર્તિદાન ગઢવીને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત