ટ્રેનમાં ટ્રેન થઈને બેસો

9

તમે લોકો કેશો, આ ભાઈ તો રોજ સિખમણનો પોટલો જ પીરસતા હોય છે, જાણે અમને કશી ખબર જ ના પાડતી હોય એમ. લાગ્યું ને તમને એવું, જો લાગ્યું હોય તો પેલેથીજ માફી માંગુ છું. મુસાફરીનો સાચો આનંદ માણવો હોય તો તેના માટે રેલવે એક શ્રેષ્ઠ અને સુરક્ષાથી ભરપૂર ઉદાહરણ. ભારત દેશની રેલવેની સવારી કરવાની મજા જ કાંઈક અલગ છે, જો માનવામાં ન આવતું હોય તો એક વાર આની મજા તમે લોકો પણ ઉઠાવો પછી જોજો પરિવાર સાથેની આ યાત્રામાં તમને સસ્તામાં સિદ્ધપુરની જાત્રા જેવી મજા આવશે. વધુ આડી અવળી વાતો ન કરતા આવીએ સીધા મુદ્દા પર. દેશની સલામત સવારી વિશે આજ તમને થોડું વધારે જણાવું. રોજ બ રોજ લોકો ટ્રેનમાં સફર તો કરે જ છે પણ તેમાં પણ લોકો સારું કામ કરતા દૂર વેઠ ઉતારીને દેશની સંપતિને લાખો રૂપિયાની નુકશાની પોહચાડે છે, આપુ સાબિતી ?? તમે બધા એવા છો ને કે મારે હંમેશા સીઆઈડીનાં પ્રદ્યુમન થઈને જ તમને સમજાવું પડે છે. હા.હા.હા, તો વાત હતી બગાડની, ચાલો તમને એવા ચિહ્નની વાત કરું ત્યારે તમને એકદમ મગજમાં ઉતરશે. ૧) રેલવેની કોચમાં બારી પાસે જોજો હંમેશા તમને કોઈ વિચિત્ર પ્રકારની ટિપ્પણી લખેલી જોવા મળશે, ૨) રેલવે બારી નીચેનો ડબ્બા સીડનો પીલ્લર જોજો તમને કોઈકના કોઈક પ્રકારનો થુકનો લોંદો જોવા મળશે, ૩) રેલવેના વોશ રૂમમાં જોજો એવી ગંદી ગાળો અને બીભત્સ ટિપ્પણી જોવા મળશે કે શરમ આવે, ૪) વોશ રૂમમાં તમને હંમેશા ગંદકીનો સંગ્રહ જોવા મળશે અને જેની દુર્ગંધથી તમે હંમેશા તમારું નાક બગાડશો, ૫) રેલ્વેના જે પણ કોચમાં તમે બેસશો ત્યાં નાસ્તાના પડીકા અને પાણીની બોટલનો કચરો આમ તેમ વિખરાયેલા જોવા મળશે, ૬) રેલવેના ચાર્જર પાસે પણ તમને કંઇક ને કંઇક કારીગીરી જોવા મળશે જ, ૭) રેલવેની બેસવાની સીટ છે તેમાં પણ લોકો પેન અને બીજા કોઈ ધાતુ વળે પોતાની કળા નું પ્રદર્શન કરેલું જોવા મળશે જ, ૮) રેલ્વેના એસી કોચમાં પણ જે રૂમાલ, સાલ અને તકિયા આપ્યા હશે એને પણ જાણે ઘરનું પગ લુછનીયું હોય એમ પોતાના ભીના અને નાક સાફના કામ માટે ઉપયોગ કરાય છે, ૯) રેલ્વેના કોચની દીવાલ પર કોઈક સૂચના કે જાહેરાત લગાવામાં આવી હોય એમાં પણ પોતાની શિખામણ અને હોશિયારી બતાવતું કોઈ કરતૂત કરીને તેને પણ બગડવાની હદ વટાવી હશે. હું એમ નથી કહેતો કે દરેક કોચમાં તમને આવું જોવા મળશે જ, કેટલાક સમજદાર અને વફાદાર લોકો છે કે જેઓ હંમેશા સાવચેત રહીને નુકશાન ન પોહ્‌ચે એનું ધ્યાન રાખે છે, પરંતુ વધારે પડતા લોકો આ સાવચેતીથી બાકાત હોય છે, માટે આજે પણ મારા સાથે તમને પણ એક સૂચન આપુ છું કે જેટલા તૈયાર થઈને ટ્રેનમાં મુસાફરી કરો છે એટલી જ સાવચેતી સાથે જો આપણે ટ્રેનના કોચનું ધ્યાન રાખીશું તો બનશે કે આવનારા સમયમાં ટિકિટનો ભાવ, રેલવેની સાફ સફાઈના ખર્ચ વધારાથી તો નહીં જ વધે, માટે આજથી જ્યારે જ્યારે ટ્રેનમાં બેસીએ ત્યારે ત્યારે આપણાં હાથ, પગ અને મગજને ટ્રેન એટલે કે માનસિક સમજણ સાથે બેસીએ જેથી કરીને આપણે તો રાષ્ટ્રની સંપતિના નુકશાનથી તો બચિશું જ સાથે સાથે અન્યને પણ તેની સામે સાવધ રહવા માટેનું શ્રેષ્ઠ અને આંખે દેખ્યું ઉદાહરણ પૂરું પાડીશુ. તો, આવો સ્વચ્છતા અભિયાનમાં આજથી આપણે પણ આપણું નજીવી સમજદારીનું અનુદાન આપીને રાષ્ટ્ર હિતના નેક કાર્યમાં જયઘોષ કરીએ.
ભાવિક બી. જાટકીયા
સુરત- ૮૪૬૦૮૮૫૯૫૪