દ્રવિડે ભારતીય ક્રિકેટના દિગ્ગજો પાસેથી નવા ખેલાડીઓને ડેબ્યુ કેપ અપાવવાની જુની પરંપરા ફરી જીવિત કરી

83

કાનપુર,તા.૨૬
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે કાનપુરમાં રમાવવા જઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં શ્રેયસ અય્યરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ટોસ પહેલા સુનીલ ગાવસ્કરે તેમને ટેસ્ટ કેપ આપી હતી. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની આ પહેલી ટેસ્ટ સીરીઝ છે. ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભારતની સફર પૂર્ણ થતા રવિ શાસ્ત્રીની પણ ટીમ ઈન્ડિયા સાથેની સફર પૂર્ણ થઈ ગઈ છે. જ્યાર બાદ રાહુલ દ્રવિડે મુખ્ય કોચની જવાબદારી સંભાળી છે. તેમના ટીમ સાથે જોડાવવાની સાથે જ ઈન્ડિયામાં રવિ શાસ્ત્રીનું ક્લચર પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. હકીકતે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટના દિગ્ગજો પાસેથી નવા ખેલાડીઓને ડેબ્યુ કેપ અપાવવાની જુની પરંપરા ફરી જીવિત કરી છે. દ્વવિડે ગાવસ્કરને આ ખાસ કાર્યક્રમ માટે આમંત્રણ પણ આપ્યું હતું. તે પહેલા ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી૨૦ સીરીઝમાં પણ દ્વવિડે હર્ષલ પટેલને નેશનલ કેપ આપવા માટે મર્યાદિત ઓવરના સૌથી સફળ ભારતીય બોલરમાંથી એક અજીત અગરકરને આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પાસેથી રાષ્ટ્રીય કેપ મેળવવાની પરંપરા રહી છે. ભારતમાં પણ પહેલા આવી પરંપરા હતી. પરંતુ પાછલા અમુક સમયથી કેપ્ટન અથવા કોઈ સીનિયર ખેલાડી સહયોગી સ્ટાફના સદસ્ય જ ડેબ્યુ કરનાર ખેલાડીને ડેબ્યુ કેપ આપે છે. શુભમન ગિલને ૨૦૧૯માં ટીમના સીનિયર ખેલાડી એમએસ ધોનીએ વન ડે ક્રિકેટની કેપ આપી હતી. વોશિંગટન સુંદરને વન ડે કેપ કોચ રવિ શાસ્ત્રીએ આપી હતી. ૨૦૧૮માં દીપક ચહેરને પણ વન ડે કેપ રવિ શાસ્ત્રીએ આપી હતી. આટલું જ નહીં આ વર્ષે માર્ચમાં શ્રીલંકાના વિરૂદ્ધ ભારત માટે એક સાથે ૫ ખેલાડીઓએ ડેબ્યુ કર્યા છે. ૪૧ વર્ષમાં ઈતિહાસમાં આમ પહેલી વખત થઈ રહ્યું છે. સંજૂ સૈમસન, કૃષ્ણાપ્પા ગૌતમ, નીતિશ રાણા, ચેતન સકારિયા અને રાહુલ ચાહરને વન ડે કેપ ટીમના સીનિયર ખેલાડીઓએ આપી હતી.