વધતી વય, ફિટેનસને લીધે રોહિત લાંબો સમય નેતૃત્વ નહીં કરી શકે

12

નવી દિલ્હી , તા.૧૨
ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકેની પસંદગી સ્ટાર ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માની આવી છે. રોહિતના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે તેને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે. બીસીસીઆઈએ કડક નિર્ણય લેતા વિરાટ કોહલી પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ છીનવી લીધી. પરંતુ રોહિત હાલ ૩૪ વર્ષનો છે. ઘણા ક્રિકેટરો આ ઉંમર સુધીમાં નિવૃત્તિની જાહેરાત કરી દે છે. જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે રોહિત ઈચ્છે તો પણ લાંબો સમય સુકાની તરીકે રહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ૨૦૨૩ના વર્લ્‌ડકપ પછી નવા કેપ્ટનની જરૂર પડશે. વાસ્તવમાં, રોહિત શર્મા માટે લાંબા સમય સુધી વન-ડે અને ટી૨૦ ટીમનો કેપ્ટન બનવું મુશ્કેલ છે કારણ કે તે હવે ૩૪ વર્ષનો છે અને તે વિરાટ કોહલી (૩૩) કરતા એક વર્ષ મોટો છે. આ ઉંમરે મોટા ખેલાડીઓની ફિટનેસ સાથ આપતી નથી અને તેઓ નિવૃત્તિની યોજના બનાવવા લાગે છે. ૭-૮ વર્ષના લાંબા સમયનો વિચાર કરીને રોહિતને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. બીસીસીઆઈએ ૨૦૨૩ના વર્લ્‌ડકપ વિશે વિચારીને જ તેને કેપ્ટનશિપ આપી છે. અને કદાચ આ ટુર્નામેન્ટ બાદ રોહિત પણ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં થોડા વર્ષો બાદ ટીમ ઈન્ડિયા માટે નવા કેપ્ટનની શોધ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટ કીપર બેટ્‌સમેન ઋષભ પંત રોહિત શર્મા બાદ નવો કેપ્ટન બનવાનો મોટો દાવેદાર છે. પંત માત્ર ૨૪ વર્ષનો છે અને તેણે IPLમાં કેપ્ટનશિપ કારકિર્દી તરીકે સારી શરૂઆત કરી હતી. એ વાત ચોક્કસ છે કે પંતે બહુ ઓછા સમયમાં ભારતીય ટીમમાં લાંબા સમય સુધી પોતાનું સ્થાન બનાવી લીધું છે. તે હજુ યુવાન છે અને તેની પાસે હજુ લાંબી કારકિર્દી બાકી છે. આ કારણે તે કોઈપણ ખેલાડી કરતાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. રોહિતની જગ્યાએ તેને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. આઈપીએલ ૨૦૨૧માં પણ ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સનું શ્રેષ્ઠ નેતૃત્વ કર્યું હતું. લીગ મેચો બાદ દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. જોકે, દિલ્હીની ટીમને ક્વોલિફાયરની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં, પંતે પહેલી જ વાર બતાવ્યું કે તે કેવી રીતે કેપ્ટન્સી કરી શકે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે વિકેટની પાછળથી પંત બૂમો પાડીને બોલરોને યોગ્ય દિશામાં બોલિંગ કરવાનું કહે છે. આના પરથી એ પણ સમજાય છે કે વિકેટ પાછળના ખેલાડીને રમતની સમજ અન્ય કોઈ ખેલાડી કરતાં વધુ હોય છે.
પંત પણ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ કમાલ કરી શકે છે. ધોનીને અચાનક ટીમની કમાન સોંપવામાં આવી હતી. માહીએ ૨૦૦૭માં પોતાની કેપ્ટનશિપમાં આવતાની સાથે જ T૨૦ વર્લ્‌ડકપની ટ્રોફી જીતી લીધી હતી. આ પછી ધોનીએ ૨૦૧૧ વર્લ્‌ડકપમાં પણ ભારતને જીત અપાવી હતી. કેપ્ટન કૂલના નામથી દુનિયાભરમાં પ્રખ્યાત ધોની વિકેટ પાછળથી રમત બદલવા માટે ખૂબ જ મશહૂર હતો. પંત પણ આવનારા સમયમાં આવું જ કંઈક કરી શકે છે.