મૂળ ભાવનગરના નિર્દેશકો દ્વારા આયોજીત GCPL પુરા ગુજરાતમાં મચાવશે ધૂમ.

47

ભાવનગરની ટીમ “ભાવભીનું ભાવનગર” પણ ફિલ્મ બનાવશે અને જે પુરા ગુજરાતમાં અને દેશ વિદેશમાં જોવા મળશે.
અમદાવાદ:-
Date:- 12.12.2021.
“ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ” આ નામ સાંભળીને તમને એવું નથી લાગી રહયુને કે આ કોઈ ક્રિકેટ મેચ છે? તો તેનો જવાબ છે ના.. આ ગુજરાત ની સૌપ્રથમ એક એવી ઇવેન્ટ છે જેમાં ગુજરાતી કલાકારોને એક મંચ પર લાવી અને ગુજરાત ના જાણીતા ફિલ્મ બનાવવાના અનુભવી નિર્દેશકો મળી ને અલગ અલગ શહેરોના પ્રતિનિધિત્વ કરી ને આપણું પોતીકું ગુજરાતી ભાષા નું ફિલ્મ બનાવશે અને જે ફિલ્મો ને ગુજરાત ના જાણીતા ફિલ્મ નિષ્ણાંતો ની ટીમ દ્વારા સિલેક્ટ કરવામાં આવશે, આ ફિલ્મોના પ્રીમિયર પણ યોજાશે અને સારી ફિલ્મોને નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મુકવામાં આવશે. આ ફિલ્મો 20 મિનિટની રહેશે જે આપણી ભાષામાં હશે અને સારા વિષય સાથે યોગ્ય સંદેશ આપતી ફિલ્મો બનાવવામાં આવશે. ગુજરાતી ફિલ્મના મેગાસ્ટાર હિતેનકુમાર આ કાર્યક્રમના માર્ગદર્શક એટલેકે મેન્ટોર છે. ગુજરાતના જાણીતા સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને આરોહી પટેલ પણ આ ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ટીમ માં સાથે રહી ને ગુજરાતી કલાકારો અને પ્રેક્ષકો આપણી ભાષાની ફિલ્મોને ઉત્તેજન મળે તેવી આશા રાખી રહ્યા છે. આ વિચારને સાર્થક કરવા ગુજરાતી ફિલ્મોના જાણીતા નિર્દેશક વિપુલ જાંબુચા અને તૃપ્તિ જાંબુચા અને તેમની 8 આઈસ પ્રોડક્શનની ટીમ અથાગ મેહનત કરી રહ્યા છે જેથી ગુજરાતી સીનેમાને એક નવો જ વિચાર અને પ્રેક્ષકોને આપણી ભાષાની નવી ભેટ આપી શકે. આ GCPL ની પ્રથમ સિઝન છે અને ભવિષ્યમાં દર વર્ષે આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઇવેન્ટ 4 મહિના ચાલશે જેમાં નિર્દેશકો દ્વારા કલાકારો, દિગ્દર્શકો, સંગીતકાર, અને ટેક્નિકલ ટીમ ની પસંદગી આજના આ ઓક્શન ઇવેન્ટમાં કરશે જેમાં નીચે મુજબની નિર્દેશકોની ટીમ પુરા ગુજરાતમાંથી હાજર રહેશે અને કલાકારોની યોગ્ય કિંમત કરીને પોતાના નવા પ્રોજેક્ટના શ્રી ગણેશ કરશે.
ભાગ લેનાર ટીમ અને શહેરના નામ નીચે પ્રમાણે છે.
1. અમદાવાદ :- “અમે અમદાવાદી”
2. વડોદરા :- “વર્ષેટાઇલ વડોદરા”
3. કચ્છ :- “કિંગ્સ ઓફ કચ્છ”
4. ભાવનગર :- “ભાવભીનું ભાવનગર”
5. જામનગર :- “જોરદાર જામનગર”
6. રાજકોટ :- “રંગીલું રાજકોટ”
7. સુરત:- “સુપરસ્ટાર સુરત”
8. મહેસાણા :- “મનમોજી મહેસાણા”
ઉપરોક્ત 8 ટીમો અલગ અલગ શહેરોના પ્રતિનિધિત્વ કરશે અને જેના વચ્ચે જામશે ગુજરાતી કલાકારો નો કાફલો અને નિર્માણ પામશે સુંદર ફિલ્મો. આગામી 22 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમની મેગા ઇવેન્ટનું આયોજન ગુજરાતી કલાકારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં યોજવામાં આવશે અને શરૂ થશે 4 મહિનાનો સમય જેમાં આ ફિલ્મો નિર્માણ પામશે અને દર્શકોના હૃદય સુધી પહોંચશે. 8 આઈસ પ્રોડક્શનનું આ સપનું હવે હકીકત બનવા જઇ રહ્યું છે જેમાં ગુજરાતી સિનેમાના દરેક કલાકારોનો સમાવેશ થશે અને દેશ વિદેશમાં આ ફિલ્મો ખૂબ સારું પ્રદર્શન કરશે અને ગુજરાતી સિનેમાના ઇતિહાસ અને ભવિષ્યને જાગૃત કરીને આગળ ધપાવશે.