ડાંખરા પરિવાર દ્વારા દિકરીના લગ્નમાં અનાથ બાળાશ્રમના બાળકોને મહેમાન બનાવી, ભેટ આપી અનોખો કરિયાવર કરાયો.

100

દિકરીના મોસાળ પક્ષ તરફથી થતી મામેરા પ્રથા (મોસાળું) બંધ રાખી સામાજીક ક્રાંતિની એક નવી શરૂઆત કરી.
ભારતીય સમાજ જીવનમાં દરેક પરિવાર માટે ઘરમાં લગ્ન પ્રસંગ એ જીવનનો એક મહત્વનો પ્રસંગ હોય છે અને તેમાંય દીકરીના લગ્ન એટલે પરિવાર માટે અતિ ઉત્સાહ અને આનંદભર્યો પ્રસંગ હોય છે. મૂળ ભાવનગર શહેરના સિદસર નાં વતની અને હાલ સુરત રહેતા નારણભાઇ નથુભાઇ ડાંખરા ની દિકરી ઉર્વિતા (રિધ્ધિ) નો લગ્ન પ્રસંગ અનોખી રીતે યોજાયો હતો. આ પરિવારે એક નવી પહેલ કરી સુરત શહેરના કતારગામના મહાજન અનાથ બાળાશ્રમમાં રહેતા તમામ બાળકો, બાળાશ્રમના ટ્રસ્ટીઓ તથા સ્ટાફને લગ્નનું આમંત્રણ આપી, મહેમાન બનાવી, તમામને જમાડી, રાસ-ગરબા રમાડી, દરેક બાળકોને વ્યક્તિગત ગિફ્ટ આપી ખૂબ જ આનંદ કરાવ્યો હતો. વધુમાં નારણભાઇ ડાંખરા ના માતૃશ્રી અંજવાળીબેન નથુભાઇ ડાંખરા એ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા ના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન માંડવીયા ના વરદ હસ્તે બાળાશ્રમના બાળકોના શૈક્ષણિક તેમજ અન્ય વિકાસ માટે રૂ. 1,11,111/- અંકે રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર નો ચેક સંસ્થાના ટ્રસ્ટીશ્રીને અર્પણ કરીને સુરતના શહેરીજનોને એક અનોખો રાહ બતાવ્યો છે.

ડાંખરા પરિવારના આ સરાહનીય કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટીગણ અને સ્ટાફે સંસ્થા વતી અંજવાળીબેન નથુભાઇ ડાંખરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત લગ્ન પ્રસંગે દિકરીના મોસાળ પક્ષ તરફથી કરવામાં આવતી મામેરા પ્રથા (મોસાળું) બંધ કરવા પણ નારણભાઇ ડાંખરા તથા તેમના ધર્મપત્ની ભાવનાબેન તથા પુત્રી રિધ્ધિ અને પુત્ર ગૌરવ ની લાગણી ને માન આપીને રિધ્ધિ ના મોસાળ પક્ષના ભગવાનભાઇ વાલાણી (નાના) તથા રમેશભાઇ વાલાણી (મામા) એ મામેરા પ્રથા બંધ રાખેલ જે સમાજના અસંખ્ય પરિવારો માટે એક પ્રેરણાદાયી શરૂઆત થઇ છે. ચિ. રિધ્ધિ ના લગ્ન પ્રસંગમાં સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી સામાજીક અને ઉદ્યોગ જગતના તમામ ક્ષેત્રોમાંથી અગ્રણીઓ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી વિનુભાઇ મોરડીયા, સુરત શહેર ભા.જ.પ. પ્રમુખ શ્રી કિશોરભાઇ ઝાંઝમેરા, ભાવનગર શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી રાજીવભાઈ પંડયા વિગેરે બહોળી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી અને નારણભાઇ ડાંખરા ની દિકરી રિધ્ધિ ને સુખી લગ્ન જીવન માટે અંતરનાં આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.