ભાવનગરનું ભંડાર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત, જૂથ ગ્રામ પંચાયતના કારણે વિકાસ રૂંધાયો હોવાનો ગામલોકોનો દાવો

34

આવનારા સરપંચ વિકાસ કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે ચોમાસા દરમિયાન કોઝવેમાં પાણી ભરાઈ જતા ભંડાર ગામ અન્ય ગામોથી વિખુટું પડી જાય છે
ભાવનગર જિલ્લાના ભંડાર ગામે અત્યાર સુધીમાં અનેક વિકાસના કામો થયા છે. પરંતુ ભંડાર ગામે સ્થાનિક નેતાગીરી નહી હોવાને લઈને ગામનો થયેલો વિકાસ રુંધાઈ ગયો છે. ભંડાર, ભીકડા અને સમઢીયાળા સહીત ત્રણ ગામ વચ્ચે જુથ ગ્રામ પંચાયત હોવાને લઈને ત્રણ ગામ માંથી એક સરપંચ ચૂંટાઈ આવે છે. ત્યારે ભંડાર ગામે સ્થાનિક સરપંચ નહીં હોવાને લઈને વિકાસને લઈને થયેલા કામોએ ભંડાર ગામને ધીમે ધીમે ફરીથી ગામડા સમાન બનાવી દીધું છે. પાયાની સુવિધા કહી શકાય તેવી આરોગ્ય સુવિધા માટે પણ કોઈ આરોગ્ય સેન્ટર ઉપલબ્ધ નથી. ત્યારે ભંડારા ગામના લોકોમાં સ્થાનિક સરપંચ મળે અને સ્વતંત્ર ગ્રામપંચાયત બને તેવી માંગ ઉઠી છે.

ભાવનગર શહેરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલું ભંડાર ગામ કે જ્યાં વિકાસના નામે અનેક કામો થયા હોય તેવું જોવા મળ્યું હતું. પરંતુ ભંડાર, ભીકડા અને સમઢીયાળા સહિત ત્રણ ગામ વચ્ચે જુથ ગ્રામ પંચાયત હોવાને લઈને ભંડાર ગામ નો વિકાસ રૂંધાઈ ગયો છે. ભંડાર ગામે ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ, કોમ્યુનિટી હોલ અને સ્નાનાઘર જેવા સુવિધાના મકાનો બનાવવામાં આવ્યા છે. પરંતુ ભંડાર ગામે સ્થાનિક સરપંચ નહી હોવાને લઈને આ તમામ મકાનો બિન ઉપયોગી પડયા રહેવા ને લઈને બિસ્માર હાલતે બન્યા છે. પણ છતાં પાયાની સુવિધા કહી શકાય તેવા આરોગ્ય સેન્ટર ની પણ સુવિધા ગામમાં નહીં હોવાને લઈને લોકોને પંદર કિલોમીટર દૂર ફરી વાળુકડ સુધી જવું પડે છે.

આરોગ્યની સેવા માટે દિવસ દરમિયાન એક ડોક્ટર આંગણવાડી ખાતે ફાળવવામાં આવ્યા છે.જે દિવસ દરમિયાન પોતાની ફરજ પર હાજર રહે છે. પરંતુ અન્ય કોઈ ઈમરજન્સી સેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ ગામમાં આવવાનો પ્રવેશ દ્વાર ગણાતા મુખ્ય રસ્તા પર કોઝવે હોવાને લઈને ચોમાસા દરમિયાન કોઝવેમાં પાણી ભરાઈ જતા ભંડાર ગામ અન્ય ગામો થી વિખુટો પડી જાય છે. ત્યારે આપ સર્વેને ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી પણ માંગ ગ્રામજનો માં ઉઠી રહી છે. ગામમાં ગંદકી અને ડ્રેનેજની સમસ્યા ઉઠી રહી છે. જે અંગે પણ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ભંડાર ગામમાં કેટલાક વિસ્તારોમાં બ્લોક રાખવામાં આવ્યા છે. પરંતુ ગામના મોટાભાગના વિસ્તારમાં બ્લોક કે રોડ ની સુવિધા ઉપલબ્ધ નથી. હાલના ચૂંટાયેલા સરપંચ ભીકડા ગામે હોવા થી સ્થાનિક ગ્રામજનોએ કોઈપણ કામ કે રજુઆત માટે ચાર કિલોમીટર દૂર ભીકડા સુધી જવું પડે છે. ત્યારે ભંડારા ગામના લોકો દ્વારા સ્થાનિક નેતાગીરી રૂપે ભંડાર ગામ ને સ્વતંત્ર ગ્રામ પંચાયત જાહેર કરી સ્થાનિક સરપંચ મળે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.