ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ, સરપંચ પદના 585 અને વોર્ડ સભ્યપદના 3459 ઉમેદવારો મેદાનમાં

41

ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને પોલીસનો સઘન બંદોબસ્ત તથા ચેકિંગ
ભાવનગર સહિત રાજ્યભરમાં આવતીકાલે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાની 244 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. સરકારી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમા ચૂંટણી યોજાય તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે બંદોબસ્ત ગોઠવાશે. જિલ્લાના કુલ 5,10,397 મતદારો મતદાન કરાશે.

ભાવનગર જિલ્લામાં 244 ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે રવિવારે યોજાશે. જેમાં 22 સામાન્ય ગ્રામ પંચાયત, 19 ગામોમાં પેટા ચૂંટણી અને 3 ગામમાં મધ્યસત્ર ચૂંટણી થશે. જિલ્લામાં કુલ 4132 ઉમેદવારોનું રાજકીય ભાવી આવતીકાલે સીલ થશે. સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4044 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ખાસ કરીને સરપંચ પદના 585 અને વોર્ડ સભ્યપદના 3459 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે પેટા ચૂંટણીમાં 51 ઉમેદાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં સરપંચ પદ માટે 45 અને વોર્ડ સભ્યપદના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે. તેજ રીતે મધ્યસત્ર ચૂંટણીમાં 47 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં સરપંચ પદના 7 અને વોર્ડ સભ્ય પદના 40 ઉમેદવારોનો સમાવેશ થાય છે. 10 તાલુકામાં કુલ 734 બુથ, 365 બિલ્ડીંગ ઉપર ચુસ્ત બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાશે.

ભાવનગર જિલ્લાના 10 તાલુકાના 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 244 ગામોમાં ગ્રામ પંચાયત સામાન્ય, પેટા, મધ્યસત્ર ચૂંટણીનું મતદાન તા.19 ડિસેમ્બરને રવિવારના રોજ થનાર છે. આ ચૂંટણીમાં કુલ – 734 બૂથ, 365 – બિલ્ડિંગ પર પોલીસ, હથિયારી પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી., એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1 – એ.એસ.પી., 5 નાયબ પોલીસ અધિક્ષક,10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 811 પોલીસ, 1304 હોમગાર્ડ-જી.આર.ડી., 1 – એસ.આર.પી. કંપની, 18- ક્યુ.આર.ટી., 4-સ્ટ્રાઇકિંગ ફોર્સ, 64-સેક્ટર પોલીસ મોબાઇલ તેમજ 31 – વીડિયોગ્રાફર ફરજ બજાવશે. આવતીકાલે જિલ્લાની 244 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 234 મતદાન બૂથ ઉપર અંદાજે 4,712 કર્મચારીઓ ફરજ બજાવશે. સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં 4,375 કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં ખાસ કરીને 76 ચૂંટણી અધિકારી, 76 મદદનીશ ચૂંટણી અધિકારી અને 4,223 પોલીંગ સ્ટાફનો સમાવેશ થાય છે. તેજ રીતે પેટા ચૂંટણીમાં 337 કર્મચારીઓ ફરજ બજાવશે જેમાં 14 ચૂંટણી અધિકારી, 14 મદદનીશ ચંટણી અધિકારી અને 309 પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.