ભાજપ ચૂંટણીથી ડરે છે તેથી જીતે છે..!!

39

રાજકીય પક્ષ પાસે સત્તાના ચોકડા નથી એમણે કોઈકના આંચકી લેવાં છે, જેની પાસે છે તેમને મૂકવા ન પડે તેની સતત કાળજી લેવાતી હોય છે. ભાજપને નરેન્દ્ર મોદી જેવું બહુઆયામી નેતૃત્વ મળ્યું અને ભૂતકાળમાં બે સાંસદો સાથેનું તેનું પ્રતિનિધિત્વ હતું તે બહુમતીમાં આવીને છેલ્લાં દસ વરસથી દસ વરસ જ કહું લો ને કારણકે ૨૦૨૪ સુધી મોદીને કોઈ ડગમગવી શકે તેમ હું જોતો? નથી. આ સફળતામાં કઈ કેમેસ્ટ્રી કામ કરે છે તે જાણવું પણ ખૂબ રસપ્રદ છે. આમ તો હવે તે વાત બહુ ચોક્કસ છે કે મોદીનું નેતૃત્વ ભાજપ માટે ઉપકારક અને બીજી રીતે જોખમકારક પણ છે તમે ચોંકી જશો કે જોખમકારક કઈ રીતે..?! જ્યારે કોઈ પણ વ્યક્તિ પર એક દાવ ખેલવામાં આવે અને તે પિલર પરની ઈમારત જ્યારે પિલર નબળો પડે ત્યારે એકાએક કડડભૂસ થઈને નીચે પડતાં તે સમય લેતી નથી. તાજેતરના ભાજપના વોરરૂમના બે નિર્ણયો ધ્યાનાકર્ષક રહ્યાં છે. પહેલો નિર્ણય ખેડૂતોનું એક વર્ષથી પણ વધુ સમયથી ચાલતું આંદોલન કે કૃષિને લગતા ત્રણેય કાયદાઓ પરત લેવાનો હઠાગ્રહ. સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈને અમલ થવા માટે રંગેચંગે ઉભાં હોય અને કોઈ વ્યક્તિ તેને સડકો પર આવીને લીલા તોરણે પાછાં વાળે તેવી ઘટના કદાચ ભારતીય લોકશાહીમાં પહેલી ગણી શકાય..! ખેડૂતોએ આખરે મોદીને પારોઠનાં પગલાં લેવાં પડ્યાં.બીજો નિર્ણય મોદી અયોધ્યા પછી કાશી કોરિડોરને વિકસિત કરવાં માટે જે પ્રયત્નો કર્યા અને તેના લોકાર્પણમાં જે ભવ્ય જલસો કર્યો. તેને હિન્દુત્વવાદી જલસા તરીકે ઓળખી શકાય કારણકે તેમાં દેશભરમાંથી હિન્દુ સાધુ સંતોને નિમંત્રિત કર્યા, લોક કલાકારોને બોલાવ્યાં અને બાકીના બધાં સામે બેઠા અને સ્વયં મોદીજી ૩૩ મિનિટ સુધી લગભગ લગાતાર અસ્ખલિત માત્ર ધાર્મિકતાની ઈર્દગીર્દ રાખીને બોલતાં રહ્યાં. અયોધ્યાની વાત આવી પછી મથુરા, સોમનાથ, દ્વારકા,અન્ય શક્તિપીઠો, પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ આખાં ભારતમાં જે હિન્દુ મંદિરો ધર્મસ્થાનકો છે તેનો જીર્ણોદ્ધાર અને વિકાસની રંગોળીઓ પ્રદર્શિત થઈ. વિધર્મી આક્રમણોને યાદી કરી સૌના માનસમાં વળી ઝાંખી થયેલી વિધર્મી સુગને પ્લાન્ટ કરી દેવામાં આવી.બસ ઝળાંહળાં જય જયકાર..!આ બંને નિર્ણયોમાં મોદીના વ્યક્તિત્વને જે જાણે છે તેને ખબર છે કે મોદીએ લીધેલો નિર્ણય જલ્દી બદલાતો નથી. તો પણ ખેડૂતો માટેનો નિર્ણય બદલવો પડ્યો. તેને એ રીતે જોઈ શકાય કે કોઇ પણ ખેલાડી મેદાન પર જ્યારે વિજય કૂદકો મારે ક્યારે એ થોડો પાછળ હટીને પોતાની રફતાર પકડે છે. ગુજરાતમાં તેમનું નેતૃત્વ ૨૦૦૨ થી ૧૪ સુધી રહ્યું ત્યાં સુધી તેઓએ કોઈ નિર્ણયમાં બદલાવ કર્યો નથી. ૧૪ પછી ભારત સરકારમાં પણ આ જ વાત સતત દેખાતી આવી છે.તે બધા ની યથાથૅતા પણ લોકમતથી સવૅમાન્ય કર્યું. અત્રે એ બાબત નોંધપાત્ર છે કે આગામી એપ્રિલ-મે સને ૨૦૨૨માં પાંચ રાજ્યોની ચૂંટણીનો સંગ્રામ થવાનો છે. તેમાં એક મહત્વનું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાં થી ૮૦ જેટલાં સંસદસભ્યો લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે ભારત સરકારના ગઠનમાં આ રાજ્યની ભૂમિકા ૧૫ -૧૭ ટકા જેટલી છે. તેથી સંધ સરકારમાં સત્તા જાળવવી હોય તો તમારે આ રાજ્યને પણ ટકાવી રાખવુ પડે. પેટા ચૂંટણીઓનાં આંકડાઓ અને વિગતોમાં ન જઈએ પણ ગુપ્તચર અહેવાલો અને વિવિધ એજન્સીઓએ મોદીની લોકપ્રિયતાના કરેલાં સર્વે મુજબ તેમની છાપ ધૂંધળી દેખાઈ રહી છે. આ ધુમ્મસને ઉજાસમાં ફેરવવા માટે ખેડૂતોને રાજી કરવા અને હિંદુત્વના ટ્રેક ઉપર પાછાં ફરીને ૧૦-૧૨ ટકા મતોને ફરી ડાયવર્ટ કરી સતાપર ટકી રહેવું. ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં નેતૃત્વ પરિવર્તન કરીને રંગ બદલતા પીંછાની જેમ એન્ટીઈકમ્બન્સીને ખાળવાનું ઉત્તર પ્રદેશમાં યોગીએ કારગર થવાં દિધું નથી. તેથી હવે બાકીનાં રાજ્યોથી અલગ ટ્રેક ઉપર આ રાજ્યને જીતવા માટે રણનીતિકારો કામ કરી રહ્યા છે. ભાજપમાં એક વાત બહુ સ્પષ્ટ દેખાય છે અને તે દરેક ચૂંટણી ચેલેન્જ ગણીને લડે છે.માટે એ પોતાના પગલાંઓ ખૂબ આગોતરા ભરીને પોતાનું મેનેજમેન્ટ ગોઠવે છે. સત્તા મેળવવા માટેની તમામ પ્રકારની રાજનૈતિક ટ્રીક અને તરકીબો અજમાવીને તે સફળતા સુધી પહોંચી શકે છે. ગ્રાસરૂટ લેવલનું સંગઠન અને તેમાં હજારો લોકોની સામેલગીરી, એનરોલમેન્ટ ઊભું કરીને તેણે ખૂબ મોટું કામ કર્યું છે. તેના વ્યૂહરચનાકારો હંમેશા એવું જ વિચારતાં રહ્યાં છે કે ચૂંટણી કાલે જ આવે છે, માટે તેની તૈયારી આજથી આરંભો.આથી ભાજપ સફળ થાય છે. વિરોધી મતોનું વિભાજન અને સ્વયંનુ માસમેનેજમેન્ટ જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી તેને સતાથી બેદખલ કરવો મુમકિન નથી.
– તખુભાઈ સાંડસુર