ભાવનગર કૉંગ્રેસના કાર્યકર્તાઓએ મનપા સંકુલમાં ઢોરને લાવી વિરોધ નોંધાવ્યો, કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું

33

વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયાની સૂચક ગેરહાજરી જોવા મળી
ભાવનગર શહેરમાં રખડતાં ઢોરના ત્રાસ ને દૂર કરવાની માંગ સાથે આજે શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. મહાપાલિકા કચેરી ખાતે દેખાવો કરી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય થઈ રહ્યો છે વારંવાર રખડતા ઢોરના કારણે નાના મોટા અકસ્માતો થવા ઉપરાંત ઢોર લોકોને અડફેટે લઈ રહ્યા છે. તાજેતરમાં જ રખડતા ઢોરે ઢીંકે ચડાવતા એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. રખડતા ઢોરના ત્રાસ માંથી લોકોને મુક્ત કરાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર માંગ ઉઠાવાઇ રહી છે પરંતુ પરિસ્થિતિ જૈસે થે રહેવા પામી છે.

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે રખડતા ઢોરના ત્રાસ માંથી ભાવનગરને મુક્ત કરાવવાની માંગ સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મહાપાલિકા કચેરી ખાતે એકઠા થઈ કોંગ્રેસ આગેવાનોએ રખડતા ઢોરને સાથે રાખી દેખાવો કર્યા હતા અને કમિશનરને આવેદનપત્ર આપી ઢોરનો ત્રાસ દૂર કરવા માંગણી કરી હતી, આ આવેદનપત્ર વેળા એ વિરોધપક્ષના નેતાની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ હતી. ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, કોર્પોરેટર કાંતિભાઈ ગોહેલ, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય કલ્પેશભાઈ મણીયાર, પૂર્વ કોર્પોરેટર, તમામ આગેવાન, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.