ભાવનગરની યુનિવર્સિટીમાં આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, 19 કોલેજની ટીમો વચ્ચે જંગ

37

લીગ મેચ 20 ઓવરની તેમજ સેમીફાઈનલ અને ફાઈનલ મેચ 40 ઓવરની રમાડવામાં આવશે
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા આજથી આંતર કોલેજ ભાઇઓની ક્રિકેટ મેચનો પ્રારંભ થયો હતો. આ ટૂર્નામેન્ટમાં જુદી જુદી 19 કોલેજની ટીમો ભાગ લઇ રહી છે. ભાવ. યુનિ. ગ્રાઉન્ડ અને શહેરના ભરૂચા કલબ ખાતે મેચ રમાશે. આજથી તારીખ 8 સુધી જુદી જુદી ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે.
આજથી શહેર જિલ્લાની વિવિધ કોલેજોની ટીમો વચ્ચે મેચનો પ્રારંભ થયો હતો. પ્રથમ 16 મેચ ક્વાર્ટર ફાઈનલ માટે રમાશે જે મેચ 20 ઓવર રહેશે. ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં 40-40 ઓવર રમાડવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં 19 જેટલી કોલેજમાં અભ્યાસ કરતા ભાઇઓ ભાગ લઇ રહ્યા છે. આજે પ્રથમ દિવસે ચાર મેચ રમાશે. જેમાં ભુતા કોલેજ સિહોર સામે સરદાર પટેલ કોલેજ વચ્ચે આજે સવારે મેચનો પ્રારંભ થયો હતો. તે જ રીતે આદર્શ બી.એસ.સી. કોલેજ બોટાદ સામે મારૂતી વિદ્યામંદિર કોલેજ વચ્ચે બપોરે બે વાગ્યે શહેરના ભરૂચા કલબ ખાતે મેચ રમાઈ હતી. તેમજ ભાવ. યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પણ આજે સવારે વળીયા કોલેજ સામે સર પી.પી. સાયન્સ કોલેજ વચ્ચે મેચનો પ્રારંભ થયો હતો. જ્યારે બપોર બાદ કે.બી. પારેખ કોલેજ મહુવા સામે એસ.એસ.સી.સી.એમ. વચ્ચે મેચ રમાશે. આ ઉપરાંત આગામી તા.11 થી 16 દરમિયાન આંતર કોલેજ બહેનોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજથી ક્રિકેટ મેચનો પ્રારંભ થતા કોલેજીયન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.