શ્રીલંકાનાં આક્રમક ઓપનર દાનુષ્કા ગુણાથિલકે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી

76

કોલંબો,તા.૯
શ્રીલંકાનાં આક્રમક ઓપનર દાનુષ્કા ગુણાથિલકે મર્યાદિત ઓવરોનાં ક્રિકેટ પર ધ્યાન આપવા માટે ૩૦ વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) એ આ માહિતી આપી. એસએલસીએ કહ્યું કે, આ બેટ્‌સમેન હવે લિમિટેડ ઓવરનાં ક્રિકેટ પર ફોકસ કરશે. ગુણાથિલક, કુસલ મેન્ડિસ અને નિરોશન ડિકવેલા પર તાત્કાલિક અસરથી જૈવિક રીતે સલામત વાતાવરણનાં ઉલ્લંઘન બદલ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યાના એક દિવસ બાદ અને અન્ય ૩૦ વર્ષીય બેટ્‌સમેન ભાનુકા રાજપક્ષેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધાના એક દિવસ બાદ ગુણાથિલકે આ નિવેદન આપ્યું હતું. ગુણથિલકે કહ્યું કે, તેમણે તમામ પાસાઓનું વિશ્લેષણ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેણે ૨૦૧૮થી ટેસ્ટ ક્રિકેટ રમી નથી. તેણે આઠ ટેસ્ટમાં બે અડધી સદીની મદદથી ૨૯૯ રન બનાવ્યા છે જેમાં તેનો ટોપ સ્કોર ૬૧ રન હતો. ગુણથિલકનો મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. તેણે ૩૦ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચોમાં ૧૨૧.૬૨ની સ્ટ્રાઈક રેટથી ૫૬૮ રન બનાવ્યા છે અને ૪૪ વનડે માં ૩૬.૧૯ની એવરેજથી ૧૫૨૦ રન બનાવ્યા છે.ગયા વર્ષે શ્રીલંકાનાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જૈવિક રીતે સલામત વાતાવરણનાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનાથિલક, મેન્ડિસ અને ડિકવેલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધમાં સ્થાનિક ક્રિકેટમાંથી છ મહિનાનું સસ્પેન્શન અને લગભગ ઇં૫૦,૦૦૦નો દંડ સામેલ છે, ગુણથિલકને શિસ્તભંગનાં કારણોસર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુણથિલકને ૨૦૧૫નાં અંતમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂથી ત્રણ વખત એસએલસી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.