ભાવનગરમાં LRD જવાને જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની અગાસીમાં કેબલ વાયર ગ્રીલ સાથે બાંધી આપઘાત કર્યો

6

ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
ભાવનગર શહેર પોલીસમાં લોકરક્ષક દળના જવાન તરીકે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ આત્મહત્યા કરી લીધી છે. જેને લઈ ચકચાર મચી છે. LRD જવાને કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા LRD જવાન પ્રદિપસિંહ ભાવુભા પઢીયારે આજરોજ વહેલી સવારે જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા વિશ્રાંતિ ભવન સામે કવાર્ટરની અગાસીમાં કેબલ વાયર ગ્રીલ સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

આ બનાવની જાણ સી-ડીવીઝન પોલીસને થતા ડીવાયએસપી સફિન હસન સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ આપઘાત અંગે કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.