જિલ્લા જેલમાં પહોંચ્યો કોરોના

224

એક કેદીને અસર જણાતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાયો, પોઝિટિવ આવતા દાખલ : અન્ય કેદીઓના પણ કરાશે રિપોર્ટ
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાની રફતાર તેજ થવા પામી છે. દરરોજ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે જિલ્લા જેલમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી હોય તેમ આજે એક કેદી કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું જાણવા મળેલ છે. જિલ્લા જેલમાં પણ હવે કેદીઓના આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળેલ છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી વધી રહેલા પોઝિટિવ કેસોમાં અનેક સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે અને પોઝિટિવ આવ્યા છે ત્યારે આજે જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા એક કેદીને તાવના લક્ષણો દેખાતા તેને હોસ્પિટલ લઇ જઇ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવતા તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હવે એક કેદી પોઝિટિવ આવતા અન્ય કેદીઓને પણ અસર થઇ હોય તે સ્વાભાવિક છે. આથી જેલમાં રહેલા તમામ કેદીઓના રિપોર્ટ કરી જરૂરી જણાય તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલાઇઝ કરવા પડશે તેમ મનાઇ રહ્યું છે.