ભાવનગરમાં કોવિડ ટેસ્ટ માટે શહેરીજનોએ લાંબી કતારો લગાવી, શહેરમાં 50 સ્થળોએ કોરોના ટેસ્ટિંગ સેન્ટરો કાર્યરત

104

સ્વયંભૂ જાગૃતિને પગલે આગામી દિવસોમાં હકારાત્મક અસરો ચોક્કસથી વર્તાશે શહેરમાં દરરોજ 2000 ટેસ્ટિંગ કરવામાં આવે છે
ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી શહેરીજનોમાં કોરોના ટેસ્ટ તથા રસીકરણ માટે જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક પોઈન્ટ પર તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરે બધાને ચિંતામાં મુક્યા છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે આવેલી કોરોનાની ત્રીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ રહી છે. આ વખતની મહામારીનું આગવું જમા પાસું છે. આજદિન સુધી ફક્ત યુવાનો-વૃદ્ધને ટાર્ગેટ કરતી મહામારી આ વખતે બાળકોને પણ છોડતી નથી એ સૌથી ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે. આ મહામારી પર કોઈ નક્કર ઉપચાર કારગત નથી નિવડી રહ્યો. છેલ્લા એક સપ્તાહથી શહેરીજનો સ્વયં આ મહામારીને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અનેક સ્થળોએ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેપિડટેસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યાં સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં લોકો કતારોમાં કોવિડ ટેસ્ટ માટે આવી રહ્યાં છે અને ટેસ્ટ પોઝિટિવ આવ્યે હોમઆઈસોલેટ થઈને યોગ્ય સારવાર લઈ રહ્યાં છે. જેમાં પણ લોકો રસી મુકાવવા ઉમટી રહ્યાં છે. લોકોમાં આવેલી સ્વયંભૂ જાગૃતિને પગલે આગામી દિવસોમાં આ બાબતની હકારાત્મક અસરો ચોક્કસથી વર્તાશે. ભાવનગર શહેરમાં અને જિલ્લામાં કોરોનાનો કેસ છેલ્લા એક અઠવાડિયામાં ખાસો વધારો જોવા મળ્યો છે સાત દિવસની અંદર 1700 જેટલા કેસો નોંધાયા છે, જેને લઈ તંત્ર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા 50 સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, આમ ભાવનગરમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સાત દિવસમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે જેમાં શહેરમાં 1463 કોરોના કેસો નોંધાયા છે તેની સામે 411 એ કોરોનાને માત આપી હતી અને 2 દર્દીઓના મોત નિપજ્યા હતા અને ગ્રામ્યમાં 240 કોરોના કેસો નોંધાયા છે તેની સામે 60 એ કોરોનાને માત આપી હતી અને 1 દર્દીનું મોત નીપજ્યું હતું. આમ 7 દિવસમાં કુલ 1703 કોરોનાના કેસ નોંધાયા તેની સામે 471એ કોરોના ને માત આપી અને 3 દર્દીના મોત થયા હતા. આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, લોકો સ્વૈચ્છિક રીતે સદર સેન્ટરો ખાતે આવી કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ કરાવી શકે છે. વ્યક્તિ જો કોરોના વાયરસથી સંક્રમિત હોય તો હોમ આઇસોલેશનમા રહીને તેના નજીકના કુટુંબના, અન્ય સહકર્મી લોકોને સંક્રમિત થતા અટકી શકાય છે અને આની ચેઇન તોડી શકાય છે. ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આખલોલ જકાતનાકા, ન્યુ કુંભારવાડા, કુંભારવાડા, બોરતળાવ, કરચલીયાપરા, ભીલવાડા, વોશિંગઘાટ, આનંદનગર, શિવાજી સર્કલ(તરસમીયા), સુભાષનગર, વડવા-અ, કાળીયાબીડ અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આર.ટી.પી.સી.આર.ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવેલ છે. આમ શહેરમાં કુલ 50 સ્થળોએ સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, તો ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગે જાહેર જનતા ને લાભ લેવા અનુરોધ કર્યો છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે.સિન્હાએ જણાવ્યું હતું કે, 50 જગ્યાએ રેપીટ અને આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ, જેમાં 13 ધન્વંતરી, 23 સંજીવની રથ, ઘરે ઘરે જઈ પોઝિટિવ દર્દીઓને સારવાર પણ કરે છે, બાકી ના તમામ યુપીએસસી સેન્ટરો ખાતે ટેસ્ટિંગ થાય છે રોજના 2 હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવે છે.