સ્વતંત્ર રીતે બેટિંગ કરવા વિરાટે નેતૃત્વ છોડવું જરૂરી હતું : કપિલ

118

નવી દિલ્હી, તા.૧૭
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ પછી ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેતાં ખળભળાટ મચી ગયો છે. વિરાટ કોહલીની આ જાહેરાત પછી ફેન્સ નિરાશ થયા છે. ક્રિકેટની દુનિયાના દિગ્ગજો પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને પતિનું પ્રોત્સાહન વધાર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની કપિલ દેવે પણ આ સમગ્ર બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ૩૩ વર્ષીય વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ ક્રિકેટ સુકાની છે. તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ૬૮ ટેસ્ટ મેચમાંથી ૪૦ પોતાના નામે કરી છે.કપિલ દેવે વિરાટ કોહલીના આ નિર્ણય બાબતે વાત કરતા કહ્યું કે, હું વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટનું સુકાનીપદ છોડવાના નિર્ણયનું સ્વાગત કરુ છું. ટી૨૦ની કેપ્ટનશિપ છોડ્યા પછીથી તેણે કપરા સમયનો સામનો કર્યો છે. તે હાલમાં ઘણો તણાવમાં જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં સ્વતંત્ર રીતે રમવા માટે સુકાનીપદ છોડવાનો એક વિકલ્પ હતો, જેની તેણે પસંદગી કરી. કપિલ દેવે આગળ જણાવ્યું કે, વિરાટ કોહલી એક મેચ્યોર વ્યક્તિ છે. મને વિશ્વાસ છે કે તેમણે આ મહત્વપૂર્વ નિર્ણય લેતા પહેલા ઘણો વિચાર કર્યો હશે. બની શકે કે તે કેપ્ટનશિપને એન્જોય ન કરતા હોય. આપણે તેમને સપોર્ટ કરવો જોઈએ અને શુભકામનાઓ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે કપિલ દેવ પોતાના સમયમાં કૃષ્ણમાચારી શ્રીકાંત અને મહોમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં મેદાન પર ઉતર્યા છે અને તે ઈચ્છે છે કે કોહલી પણ નવા કેપ્ટનની સાથે ફરી એકવાર બેટિંગમાં સારું પ્રદર્શન આપે. કપિલ દેવે કહ્યું કે, સુનીલ ગાવસ્કર મારા સુકાનીપદ હેઠળ રમ્યા હતા. હું શ્રીકાંત અને અઝહરની આગેવાનીમાં રમ્યા હતા. મારામાં કોઈ ઈગો નહોતો. કોહલીએ પણ પોતાનો ઈગો છોડવો પડશે અને એક યુવા ક્રિકેટરના નેતૃત્વમાં રમવું પડશે. આમ કરવાથી તેમને અને ભારતીય ક્રિકેટને મદદ મળશે વિરાટને નવા કેપ્ટન, નવા પ્લેયરને માર્ગદર્શન આપવું જોઈએ. આપણે બેટ્‌સમેન કોહલીને કોઈ પણ કિંમત પર ગુમાવી નથી શકતા. ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં વિરાટ કોહલના સ્થાને રોહિત શર્માને સીમિત ઓવરોનું સુકાનીપદ સોંપવામાં આવ્યુ હતું. કેએલ રાહુલને ઉપસુકાની બનાવવામાં આવ્યો હતો. પરંતુ રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી વનડે સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે. હવે ક્રિકેટના ફેન્સને પ્રશ્ન થઈ રહ્યો છે કે, શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે? ૨૫ ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે.

Previous articleરાખીએ કરણ કુન્દ્રા સાથે જોડ્યું શમિતા શેટ્ટીનું નામ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે