માર્ચ સુધીમાં ભાવનગર-અમદાવાદ બ્રોડગેજ શરૂ થઇ જવાની આશા

127

બોટાદ-અમદાવાદ રેલ્વે બ્રોડગેજ લાઇનનું ગેજ કન્વર્ઝન પૂર્ણ થવામાં : હાલ ટેસ્ટીંગ માટે માલગાડી દોડાવાય છે : ટેસ્ટીંગ થયા બાદ પેસેન્જર ટ્રેન દોડાવાશે
બોટાદ-અમદાવાદ નવી રેલવે બ્રોડગેજ લાઇનનો ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે.
નવી બ્રોડગેજ લાઇન પર બોટાદ અમદાવાદ વચ્ચે હાલ ટેસ્ટિંગ માટે માલગાડી દોડાવવામાં આવી રહી છે. લોથલ ગાંધીગ્રામ વચ્ચેના ૮૦ કિલોમીટરના ગેજ કન્વર્ઝનનું રેલ્વે સેફ્ટી ઇન્સ્પેકશન પૂર્ણ થઇ ગયા બાદ પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે. ત્યારબાદ ભાવનગરથી અમદાવાદની સીધી ટ્રેન શરૂ થશે અને ભાવનગરને લાંબા અંતરની ટ્રેનો પણ મળશે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે. આ અંગે વિગતો આપતા ભાવનગર રેલવે ડિવિઝનના સીનીયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહેમદે જણાવ્યું હતું કે બોટાદથી લોથલ વચ્ચેનું રેલવે સેફ્ટી ઇન્સ્પેકશન પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે લોથલથી ગાંધીગ્રામ વચ્ચેના એસી કિલોમીટરનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે અને તે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. હાલ બોટાદ અને અમદાવાદ વચ્ચે બિછાવવામાં આવેલી નવી બ્રોડગેજ લાઇન પર માલ ગાડી ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીના પરીક્ષણમાં કોઈ સમસ્યા સપાટી પર આવી નથી. ચીફ કમિશનર ઓફ રેલવે દ્વારા રેલવે સેફટી ઇન્સ્પેક્શન સમગ્ર રૂટ પર પૂર્ણ થઇ ગયા બાદ મુસાફર ટ્રેનને લીલીઝંડી મળી શકે છે. બોટાદ અમદાવાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન એક વખત ચાલુ થઈ ગયા બાદ અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવી શકાય તેમ છે. ઉપરાંત ભાવનગર અને અમદાવાદ વચ્ચેના દૈનિક ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ બન્ને શહેરો વચ્ચે ઇન્ટરસીટી ટ્રેનમાં પણ દોડાવી શકાય તેમ છે. તદુપરાંત ભાવનગરથી ઉપરથી ટ્રેનોનું અંતર પણ ઘટી શકે છે.

Previous articleસિહોરના કનાડ ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતા ફફડાટ
Next articleમહિલા સામખ્યના સ્થાપના દિન નિમિત્તે કિશોરીઓ માટે યોજાયા કાર્યક્રમ