અંતિમ વનડેમાં કેએલ રાહુલ કરશે ત્રણ ફેરફાર

70

કેપટાઉન, તા.૨૩
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયા પોતાની લાજ બચાવવા માટે ત્રીજી વનડેમાં ઉતરશે. ત્રણ મેચોની સિરીઝ પહેલાથી ગુમાવી ચુકેલી ટીમ ઈન્ડિયા હવે અંતિમ મેચમાં વિજય સાથે ઘરે પરત ફરવા ઈચ્છશે. મહત્વનું છે કે અંતિમ મેચમાં કેપ્ટન રાહુલ ટીમમાં ફેરફાર કરશે અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. આવો જાણીએ આ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન શું હશે. સિરીઝની પ્રથમ મેચમાં કમાલનું પ્રદર્શન કરનાર શિખર ધવન આ મેચમાં પણ કેપ્ટન રાહુલ સાથે ઓપનિંગ કરી શકે છે. ધવને પ્રથમ વનડેમાં ૭૯ રન બનાવ્યા હતા. તો રાહુલે બીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી. આ સિવાય ત્રીજા ક્રમે વિરાટ કોહલીની જગ્યા પાક્કી છે. વિરાટે પ્રથમ વનડેમાં ૫૧ તો બીજી મેચમાં શૂન્ય રન બનાવ્યા હતા. સિરીઝ હાર બાદ આજે ભારત મિડલ ઓર્ડરમાં કેટલાક ફેરફાર કરી શકે છે. ૪ નંબર પર શ્રેયસ અય્યરના સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. અય્યર પ્રથમ બે વનડેમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. તો વિકેટકીપરની ભૂમિકામાં રિષભ પંત જોવા મળશે. યુવા ખેલાડી વેંકટેશ અય્યરને ટીમ વધુ એક તક આપી શકે છે. નંબર ૭ પર શાર્દુલ ઠાકુર ઉતરશે. પ્રથમ બે વનડેમાં ઠાકુરે બેટથી મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ તે બોલથી ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. સ્પિનર વિભાગમાં ચહલને વધુ એક તક મળી શકે છે. આર અશ્વિનના સ્થાને ટીમ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપી શકે છે. તો ભુવનેશ્વરના સ્થાને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેદાનમાં ઉતરી શકે છે. કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, વેંકટેશ અય્યર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.