મયંક, ચેતેશ્વર, અજિંકયની ટીમમાંથી હકાલપટ્ટીનાં સંકેત : હરભજન

231

નવી દિલ્હી , તા.૨૪
ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે એક મોટો દાવો કર્યો છે. ભજ્જીનું કહેવુ છે કે આવનારી સિરીઝમાં ત્રણ ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવી શકે છે, જેમાંથી બે ટોપ ઓર્ડર બેટર છે, જ્યારે એક બેટર મધ્યમક્રમનો છે. એટલું જ નહીં ભજ્જીએ જણાવ્યુ કે જે ખેલાડીને ટીમથી ડ્રોપ કરવામાં આવશે, તેના સ્થાને ક્યા ખેલાડીને તક મળવી જોઈએ. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પોતાની યૂટ્યૂબ ચેનલ પર સૌથી પહેલા મયંક અગ્રવાલની આલોચના કરી, જે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૬ ઈનિંગમાં ફ્લોપ રહ્યો. ત્યારબાદ તેણે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનું નામ લીધુ, જે એક-એક અડધી સદી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૬-૬ ઈનિંગમાં બનાવી શક્યા છે. ભજ્જીનું કહેવું છે કે આ દિગ્ગજ ખેલાડીઓ માટે આવા પ્રકારના આંકડા શોભા આપતા નથી. હરભજને કહ્યુ- મયંક અગ્રવાલને છ ઈનિંગ મળી, પરંતુ તેણે ફાયદો ઉઠાવ્યો નહીં, જે તે વાતનો સંકેત છે કે નવો ખેલાડી આવી શકે છે. શુભમન ગિલ કે પૃથ્વી શોને આગામી સિરીઝમાં જોઈ શકાય છે, કારણ કે એક ખેલાડી માટે છ ઈનિંગ ઘણી છે. મયંક સારો ખેલાડી છે અને હું તેનું સમર્થન કરુ છું, પરંતુ તેણે મોટો સ્કોર કર્યો નહીં, તેથી મને નથી લાગતું કે તેને આગળ તેનો માર્ગ શું હશે. તો પુજારા અને રહાણેને લઈને ભજ્જીએ કહ્યુ- રહાણે અને પુજારાએ જોહનિસબર્ગમાં ૫૦-૫૦ રન બનાવ્યા, પરંતુ સીનિયર ખેલાડી પાસે તેના કરતા વધુ આશા છે. તેણે પૂરતા રન બનાવ્યા નથી અને મને વ્યક્તિગત રૂપથી લાગે છે કે તેનો આગળનો માર્ગ મુશ્કેલ હશે. સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડી રાહ જોઈ રહ્યાં છે અને મને લાગે છે કે રહાણે અને પુજારાએ જે રીતે પ્રદર્શન કર્યુ, તેણે અય્યર અને સૂર્યકુમાર માટે દરવાજા ખોલી દીધા છે.