દેશમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે 75 કેન્દ્રોની પસંદગીમાં ગુજરાતના ત્રણ કેન્દ્રો પૈકી સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી

96

તા.22 થી તા.28 દરમિયાન લોકવૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ ભાવનગરમાં વિવિધ વિજ્ઞાન નિદર્શન કાર્યક્રમો યોજાશે
સમગ્ર દેશમાં રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ સાપ્તાહિક વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ માટે રાષ્ટ્રીય કક્ષાએ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી થઈ છે. ભાવનગર જિલ્લામાં તા.22 થી તા.28 દરમિયાન લોકભારતીના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત અને ભાવનગર જિલ્લા માટે ગૌરવની બાબત છે કે, સમગ્ર દેશમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે 75 કેન્દ્રોની પસંદગીમાં ગુજરાતના ત્રણ કેન્દ્ર પૈકી સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી થઈ છે. જ્યારે અન્ય કેન્દ્રોમાં વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય અને અમદાવાદના ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે પણ વિજ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

સણોસરા ખાતે છ દશકથી કાર્યરત લોકવિજ્ઞાન કેન્દ્ર આસપાસના પંથક ઉપરાંત મુલાકાતીઓ માટે સરળતાથી વિજ્ઞાન સમજમાં આવે તે પ્રકારના અભિયાનો ચલાવી લોકજાગૃતિ અને શિક્ષણનો કાર્ય કરી રહ્યો છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, સામાન્ય માણસ કે શિક્ષકો અને અન્ય વિજ્ઞાન રસિકો માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ બની રહ્યું છે. જેનો લાભ આસપાસના ગામ વિવિધ નિદર્શન, કાર્યક્રમો અને શિબિરો વગેરે દ્વારા મળી રહ્યો છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા અને જાણીતા લોકવૈજ્ઞાનિક અરુણ દવેના જણાવ્યાં મુજબ આ કેન્દ્રનો ઉદ્દેશ્ય રહસ્યમય અને અઘરા લાગતા વિજ્ઞાન વિષયને સરળ અને સહજ સમજ આપવાનો છે, ત્યારે આ વિજ્ઞાન સપ્તાહ દરિયાન સણોસરા ઉપરાંત માઈધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલય તથા ભાવનગર ખાતે બળવંત પારેખ વિજ્ઞાન નગરી સંસ્થાના સહકાર સાથે વિજ્ઞાનની સમજના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ વિજ્ઞાન સપ્તાહમાં પ્રારંભ તથા સમાપન દરમિયાન સણોસરા, માઈધાર અને ભાવનગર ખાતે વિજ્ઞાન અને શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ આયોજનમાં ગુજરાત સરકારના સંબંધિત વિભાગો અને તેના અધિકારીઓ પણ જોડાવાના છે. રાષ્ટ્રના વિવિધ 75 કેન્દ્રોમાં સણોસરાને એટલે કે ભાવનગર જિલ્લાની પસંદગીએ ગૌરવરૂપ બાબત હોઈ ભાવનગર જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પણ જે તે શૈક્ષણિક સંસ્થાઓને આ વિજ્ઞાન સપ્તાહમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. લોકભારતી સંસ્થા દ્વારા આ રાષ્ટ્રીય કાર્યક્રમનો લાભ ખેડૂતો, પશુપાલકો અને કારીગર વર્ગ વધુ પ્રમાણમાં લઈ શકે અને સમાજના સામાન્ય ખર્ચ સુધી વિજ્ઞાનની સમજ પહોંચે તે માટે સંસ્થા દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

Previous articleભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા જાણીતા લેખક અને વક્તા જય વસાવડાનું વ્યાખ્યાન યોજાયું
Next articleમાર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ભાવનગરના પોલીસ કર્મીઓના પરિવારજનોને શિક્ષણ મંત્રી મળ્યા, મુખ્યમંત્રીનો શોક સંદેશો આપી સાંત્વના પાઠવી