તાપમાન ઊંચે જવા સાથે ગરમી પકડતા લીંબુના ભાવ

69

રૂ.૮૦ના કિલો વેચાતા લીંબુના ભાવ ચાર દિવસમાં જ ડોઢા થઈ ગયા
આ વર્ષે ગરમીનો પારો ઉનાળાની શરૂઆતમાં જ ઊંચે જઈ રહ્યો છે ત્યારે ગરમીમાં ઠંડક આપતા લીંબુના ભાવ પણ ઊંચે જઇ રહ્યા છે. ચાર દિવસમાં જ રૂ.૮૦ના કિલો લીંબુના ભાવ રૂ. ૧૬૦ સુધી પહોંચતા ગ્રાહકોના મન ખાટા થઈ રહ્યા છે! લીંબુના ભાવ વધારા પાછળ તોકતે વાવાઝોડું કારણભૂત છે, એ સમયે લીંબુના બગીચાઓ ઉજ્જડ બનતા હાલ માલ ઓછો આવી રહ્યો છે.
ભાવનગરના તાલુકાઓને આ વાવાઝોડાની વ્યાપક અસર થઇ હતી તેમા ખેતી પાકને મોટું નુકશાન થયુ હતુ. તેમાં ખાસ કરીને લીંબુના છોડ-વૃક્ષોને પણ મોટું નુકશાન થતા લીંબુનો મોટાભાગના વૃક્ષો અસર પામ્યા હતા. પરિણામે ઉનાળામાં માંગ વધવા સામે લીંબુનો પાક પૂરો પડી રહ્યો નથી. હાલમાં ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં ડબલ વધારો નોંધાયો છે. અગાઉ રૂપિયા ૮૦ના કિલો મળતા લીંબુ આજની તારીખે રૂા.૧૬૦થી ૨૦૦ રૂપિયા કીલોનો ભાવ નોંધાયો છે. આમ કહી શકાય કે છેલ્લા બે ચાર દિવસમાં લીંબુના ભાવ બમણા થઇ ગયા છે. ખેડુતો લીંબુ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ માર્કેટીંગ યાર્ડમાં તેમજ અન્ય માર્કેટીંગ યાર્ડમાં લીંબુ મોટા જથ્થામાં લાવવામાં આવે છે. ત્યાં વેપારીઓને જથ્થાબંધ અંદાજે રૂા. ૧૫૦ થી ૧૬૦ ના ભાવે આપવામાં આવે છે. આ વેપારીઓ ૧૮૦ થી લઇને ૨૦૦ સુધીના ભાવે છુટક લીંબુનું વેચાણ કરતા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
હર્બલ અને આર્યુવેદીક પ્રોડક્ટમાં પણ લીંબુનો ઉપયોગ
લીંબુનો ઉપયોગ દાળ, શાક કે સરબત બનાવવા ઉપરાંત દેશી આયુર્વેદિક પ્રોડક્ટ સાથે હર્બલ કોસ્મેટીક ઉત્પાદકોમાં તથા લીંબુનો ઉપયોગ સિઝન દરમ્યાન અનેક કંપનીઓ અથાણા બનાવવા માટે બજારમાંથી મોટા પ્રમાણમાં ખરીદી કરે છે. આથી પણ ભાવ કાયમ ઊંચા રહે છે તેમાં તોકતે વાવાઝોડાએ વિનાશ વેરતા પાકનો સોથ વળ્યો છે. જેના કારણે લીંબુના અનેક વૃક્ષાનું નિકદંન નિકળતા આવક ઘટી જવા પામી છે.

Previous articleતળાજા ના પીથલપુર ગામે દાઠા પોલીસ ટીમ ત્રાટકી ઈંગ્લીશ દારુ સાથે એક શખ્સ ઝડપી પાડયો
Next articleદિહોર-ભદ્રાવળ રોડ પર બાઈક-ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત