આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર ખાતે ૧૨૫ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ “સાંસ્કૃતિક અમૃત યાત્રા” યોજાયો

59

જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી તૈયાર થયેલો અદભૂત મલ્ટી મીડિયા શો પણ રજૂ કરવામાં આવ્યો
સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે અને કોરોનાના બે- બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચૂક્યાં છે ત્યારે ગુજરાત સરકારના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતાં ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ભાવનગરના જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર ભારત દેશમાં આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારત દેશ માટે ખપી જનારા હૂતાત્માઓને યાદ કરવાં અને નવી પેઢીમાં દેશદાઝ તથા રાષ્ટ્રીયતાના ગુણોનું સિંચન થાય તે માટે રાજ્યભરમાં આવાં ૭૫ કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ કોઈ કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર રાજ્યની જનતાને આઝાદીના અમૃત પર્વ પ્રસંગે સાથે જોડવા અને સ્થાનિક કલાકારોને પ્રાધાન્ય આપી સ્થાનિક કક્ષાએ તેઓને રોજગારી ઉપલબ્ધ થાય તથા કોરોનાના કઠીન બે વર્ષના વિરામ બાદ જ્યારે જનજીવન થાળે પડી રહ્યું છે, ત્યારે લોકો માટે તેમાંથી બહાર કાઢવા તથા આઝાદીના ગર્વ સાથે મનોરંજન માટેનો એક અવસર મળે તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહામૂલી આઝાદી કોઈ છીનવી ન જાય અને ભારતના નાગરિકો જાગૃત અને સજાગ બની રહે અને દેશના લોકો એક તાંતણે બંધાઈ રહે તે માટે આ કાર્યક્રમ એક મધ્યમ રૂપ બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ એ દેશ માટે ખપી જનારા શહીદોને યાદ કરવાનો તથા દેશ માટે અગ્રેસર થવાનો અવસર છે.ગુજરાતીઓમાં તેમના ગુણો ઉતરે તે માટેની આ ઉજવણી છે. ત્યારે આપણે સૌ ગુજરાતીઓ તેના એમ્બેસેડર બની તેના વાહક બનીએ તે જ આજના દિવસની ઉજવણીનો ખરો મર્મ છે. આ કાર્યક્રમ માટે આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતાં નાટ્ય લેખક – દિગ્દર્શકશ્રી નિસર્ગ ત્રિવેદીએ આઝાદીના પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે. જ્યારે વિષય સાથે જોડાયેલાં પસંદગીના ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે. જેમાં જૂનાગઢના નુપુર કલાવૃન્દ, પોરબંદરના મેર રાસ મંડળ તથા પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મીગ આર્ટ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કોરોનાકાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.

ભાવનગર ખાતે યોજાયેવ આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો વિશ્ર્વા કુંચાલા, રઘુવીર કુંચાલા તથા નવરંગી જોડીયા પતંગિયા તરીકે પ્રખ્યાત સિંગીગ સીસ્ટર્સ મોસમ – મલકાએ પોતાના સ્વરો રેલાવ્યા હતાં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું નામ છે તેવા ભાવનગરના જ વતની અને પાર્શ્વ ગાયકશ્રી પાર્થિવ ગોહિલ પોતાની રસાળ શૈલીમાં આઝાદીને લગતી વાતો સાથે સ્ટેજના તાણાવાણાને જોડ્યા હતાં. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર ડો. રણજીત વાંકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ભા.જ.પા.ના શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, નિવાસી અધિક કલેકટર બી. જે.પટેલ, જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી તથા ભાવનગરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleસાઉદીના જેદ્દામાં તેલ ડેપો પર હુતી વિદ્રોહીઓનો રોકેટ હુમલો
Next articleસ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ દ્વારા સમાજ માટે યોગદાન આપનાર અજયભાઈ ભટ્ટનું કરાયું સન્માન