મોંઘી કસ્તુરી સસ્તી થતાં ધરતીપુત્રોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

321

સત્તા-સંપત્તિ માટે દર વર્ષે ખેલાતા ડુંગળી ઉપરના રાજકારણને બંધ કરવા ખેડૂતો કરબધ્ધ પ્રાર્થના કરી રહ્યાં છે
જિલ્લામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનાં ભાવ ગગડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, ડુંગળીની આવક શરૂ થતાં સમયે ખેડૂતોને ડુંગળીના પ્રતિમણનાં ૫૦૦ થી ૬૦૦ રૂપિયા મળી રહ્યા હતા, હાલમાં ચિત્રા માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવ ગગડીને તળિયે બેસી ગયા છે ખેડૂતોને હાલમાં ડુંગળીનાં ભાવ પ્રતિમણનાં ૭૦ થી ૨૮૦ સુધી મળી રહ્યા છે જે ભાવ તેના ઉત્પાદન ખર્ચ સામે ખૂબ ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવની માંગ કરી રહ્યા છે. રાજ્યમાં ભાવનગર જિલ્લો ડુંગળીનું મોટું હબ ગણાય છે, સમગ્ર રાજ્યમાં થતી ડુંગળીનો ૪૦ ટકાથી વધુ હિસ્સો એકલા ભાવનગર જિલ્લાનો હોય છે, જેમાં મહુવા અને તળાજા તાલુકાનાં ખેડૂતો સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરતા હોય છે, ખેડૂતોને ડુંગળીનાં વાવેતરથી લણવા સુધીમાં અનેક ગણો ખર્ચ થાય છે, ડુંગળીનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પિયત, જાળવણી, લણવા ની મજૂરી અને ખેતરેથી માર્કેટયાર્ડ સુધી લઈ જવા પાછળ ખૂબ ખર્ચ ભોગવવો પડે છે. ગત ચોમાસા અને ત્યાર બાદ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનો મોટો ભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે, ડુંગળીમાં પ્રતિ હેકટર ૨૦૦ મણથી વધુનો ઉતારો મળતો હોય છે, જે કમોસમી વરસાદના કારણે ઘટીને ૫૦ થી ૬૦ મણ પ્રતિ હેક્ટર થઈ ગયો છે, ઉતારો ઓછો મળવાના કારણે ખેડૂતોની ડુંગળીની પડતર કિંમતમાં પણ વધારો થતો હોય છે, જેથી ડુંગળીના ભાવો ગગડી જતાં વાવેતર પાછળ થયેલા ખર્ચની પણ ભરપાઈ કરવી મુશ્કેલ બની છે. હાલ માર્કેટયાર્ડમાં નવી ડુંગળીની સારી આવક શરૂ થઈ ગઈ છે, માર્કેટયાર્ડ ખાતે રોજની સારી પ્રમાણમાં ગુણી ડુંગળી ઠલવાઈ રહી છે, આવકની શરૂઆત સમયે ખેડૂતોને ડુંગળીના ખૂબ સારા ભાવ પ્રતિમણ ૫૦૦ થી ૬૦૦ રૂપિયા મળતા હતા, પરંતુ આવક વધતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. હાલમાં ખેડૂતોને ડુંગળીનાં એક મણનાં ૭૦ થી સારામાં સારી ડુંગળીનાં ૨૮૦ રૂપિયા સુધીનાં ભાવ મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાર્ડમાં ડુંગળીની આવક વધવા સામે તેના ભાવ સતત ગગડી રહ્યા છે, ખેડૂતોને ડુંગળીનાં ઓછા ભાવ પોષાય તેમ નથી, ડુંગળીની આવક શરૂ જ થઈ છે અને આગળ જતાં જેમ જેમ આવક વધશે તેમ તેમ ભાવ પણ સતત નીચા જતા રહેશે જેથી ખેડૂતોએ સરકાર પાસે ડુંગળીનાં યોગ્ય ભાવ જળવાય રહે એવી માંગ કરી છે. જો કે આ અંગે વેપારી એસોસિએશન, માર્કેટિંગ યાર્ડનાં પ્રમુખ-નરેન્દ્રસિહ ગોહિલે જણાવ્યું હતું કે વરસાદ અને વાતાવરણને કારણે ડુંગળીની ખુબજ નબળી ગુણવત્તા વાળી ઉતરી છે તેમજ ખેડૂતો જે આ વખતે બિયારણો જે લાવ્યા છે તેમાં પણ છેતરાયા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે ખેડૂત જે માલ લઇને આવે છે તેમાં ખેડૂતને એક વિધે ૬૦ થી ૭૦ થેલી ડુંગળીનો માલ ઉતરે છે જે ૧૦૦ થી ૧૫૦ થલીઓ ઉતરવી જોઈએ ત્યારે હાલ ડુંગળીનું ઉત્પાદન પણ ઓછુ છે અત્યારે ૭૦ રૂપિયાથી લઇ ૨૮૦ રૂપિયા સુધી ભાવમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે જેમાં ૨૦૦ રૂપિયા ઉપરનો માલ વેચાણ ૫% થી ૧૦% જેટલો થાય છે ત્યારે હાલમાં ખેડૂતોને બિયારણો, મજુરી, વાહન ભાડું વગેરે નાં પણ મૂળ ખર્ચ કરેલ પૈસા નીકળતા નથી જેથી સરકાર કોઈ મદદ કરે તો ખડૂતો રાહત થઇ શકે

Previous articleગરમી વધતા જ લીંબુ સાથે શાકભાજીના ભાવ ઊંચકાયા
Next articleરાતના રાજાઓ માટે ઘોઘાસર્કલમાં ધમધમશે રાત્રી ખાણી પીણી બજાર