મોંઘવારીના વિરોધમાં શહેર કોંગ્રેસના દેખાવો : મોંઘવારીના પુતળાનું દહન

214

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને ભાવવધારા વિરૂદ્ધમાં શહેરના ગઢેચી વડલા ચોક ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના રાક્ષસને બાંધીને રોડ ઉપર ફેરવવામાં આવ્યો હતો અને મોંઘવારીના પુતળાનું દહન કરી મોંઘવારી વિરોધમાં સુત્રોચ્ચાર કરી દેખાવો યોજાયા હતાં. દેખાવો કરતા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની સ્થાનિક એ ડિવીઝન પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી અને જેમાં ખાસ કરીને પેટ્રોલ, ડિઝલ, ગેસ સહિતના ભાવ વધારાના કારણે લોકોના આર્થિક બજેટો ખોરવાઇ ગયા છે. લોકો મોંઘવારી અને ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસના સિલીન્ડરના ભાવમાં થયેલા વધારાનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે મોંઘવારીના રાક્ષસને રોડ ઉપર કાઢ્યો હતો અને દેખાવો યોજ્યા હતાં. આરટીઓ સર્કલ પાસે ચક્કાજામ થઇ ગયો હતો. પોલીસે કોંગ્રેસના આગેવાન-કાર્યકરોની અટકાયત કરી હતી જેમાં ખાસ કરીને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, વિપક્ષના પૂર્વ નેતા જયદિપસિંહ ગોહિલ, પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદી, કોંગ્રેસના કોર્પોરેટરો, પદાધિકારીઓ, આગેવાનો તેમજ યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઇ તેમજ જુદા જુદા વોર્ડના હોદેદારો ભાઇઓ-બહેનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેખાવો યોજાયા હતાં.

Previous articleઆદ્ય શક્તિ માઁ અંબા-જગત જનનીના ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ, મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી
Next articleબોરડીગેટ સર્કલમાં ડૉ. આંબેડકરની મુકાશે પ્રતિમા