ભય અને શ્રદ્ધા :- પ્રકાશ જાની (વચનામૃત : જીવન માર્ગદર્શક )

61

એવી કોઈ વ્યક્તિ જન્મી નથી જેને ભયની લાગણી થઈ ન હોય.શૈશવ અવસ્થાથી માંડી વૃદ્ધાવસ્થા સુધીમાં ભય ઉત્પન્ન કરતી વસ્તુઓ બદલાતી જાય છે, તેમાંની કેટલીક ઉપર માનવ વિજય પ્રાપ્ત કરે છે. તેમ છતાં, બીજી નવી વધુ ભયપ્રદ વસ્તુઓ એમનું સ્થાન લેતી હોય છે. ભય એ તો માણસના જીવન સાથે વણાયેલો છે. માણસની ખૂબ પ્રબળ લાગણીઓમાંની તે એક છે. જો તેને નિયંત્રિત ન કરવામાં આવેતો વિનાશ પણ નોંતરે છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાને તેની આજુબાજુની પરિસ્થિતિથી નિમ્નકક્ષાની માનવા લાગે ત્યારે તેનામાં ભય જન્મે છે;ડૉ. એડલરનામના એક મનોચિકિત્સકે કહ્યું છે કે,‘માણસમાં બિનસલામતી અને લઘુતાની લાગણી જન્મજાત હોય જ છે. તેની રચના જ એવી છે કે તેનું જીવન વહન કરવા માટે તેને શક્તિ અને સંગ્રહની જરૂર પડે છે. પ્રભુમાં શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિને વિશ્વની સઘળી સાધન સંપત્તિનો સહારો મળી રહે છે. તેને કદી એકલવાયું કે તરછોડાયા હોય એવું કદી લાગતું નથી. વિલિયમ જેમ્સ નામના જાણીતા માનસશાસ્ત્રીના મત મુજબ મર્યાદિત સામર્થ્ય ધરાવતા માનવીમાં રહેલી અમર્યાદ ભલમનસાઈની પાર્શ્વભૂમાં સ્થિત અનંત શક્તિઓનો જેખ્યાલ આપે છે તે ધર્મ, જો તેને તેના સાચા સ્વરૂપમાં જાણવામાં આવે તો તમામ ભયને દૂર કરી શકે છે અને નિર્ભયતા નું સર્જન કરે છે.’
લંડનના એક જાણીતા મનોવૈજ્ઞાનિકડૉ. હેડફિલ્ડકહે છે કે,‘માનસિક દુર્બળતાથી પીડાતા દર્દીઓને શાંતિ અને વિશ્વાસના સૂચનો આપી સાજા કરવાની મારી કોશિશ, જ્યાં સુધી મેં એ સૂચનોને ભગવાનમાં શ્રદ્ધા અને ભગવાનના સામર્થ્ય સાથે સાંકળ્યા નહીં ત્યાં સુધી અસફળ રહી.’
આ રીતે આજના અને પહેલાંના ઘણા મનોવૈજ્ઞાનિકોએ બાબતે સંમત થાય છે. તેઓસઘળા સામાન્ય અને અસામાન્ય ભયના નિવારણમાં અધ્યાત્મનો રસ્તો ચીંધે છે. ભગવાનમાં મૂકેલી શ્રદ્ધાએ અનેકને ભયની શૃંખલાઓમાંથી મુક્ત કર્યા છે.
જ્યારે ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા મૂકવામાં આવે ત્યારે વ્યક્તિ મહાભારતના અર્જુનની જેમ નિર્ભીક બની જાય છે. ૧૮ દિવસના એ ભીષણ યુદ્ધ દરમિયાન મહારથી ભીષ્મે અર્જુનનું માથું ઉડાડી દેવાની પ્રતિજ્ઞા કરી.ભીષ્મ યુદ્ધકૌશલ્યમાંનિપુણ અને વળી વિશિષ્ટ યોદ્ધા ગણાતા. અર્જુનનું મૃત્યુ હવે નિશ્ચિત જછે એવો દરેકના મનમાં ભય વ્યાપી ગયો. રાત્રિને ટાણે, અર્જુનના અન્ય ભાઈઓ તંબુમાં ભેગા મળી અત્યંત ચિંતિત અવસ્થામાં હતા અને ત્યાં શ્રીકૃષ્ણ આવ્યા. તેમણે અર્જુનને ત્યાં ન જોયો તેથી તેઓ આશ્ચર્ય પામ્યા. તેની ભાળ મેળવતાં તે તેના તંબુમાં ગાઢ નિદ્રાવશદેખાયો.શ્રીકૃષ્ણે તેને બે-ત્રણ વખત ઢંઢોળ્યો અને કહ્યું,‘અર્જુન જાગ,ઊઠ, તને ખબર નથી? આવતી કાલના યુદ્ધમાં ભીષ્મે તારું માથું ઉડાડી દેવાની પ્રતિજ્ઞા લીધી છે.’
‘હં..અ..અ.’અર્ધનિદ્રાવસ્થામાં તેણે જવાબ આપ્યો.
‘તો તને તારી જિંદગીની પડી નથી? આવો ભય તારે માથે તોળાઈ રહ્યો હોય ત્યારે તું ઊંઘી કેવી રીતે શકે?’
‘પ્રભુ આપ જાગો છો તેથી’
શ્રીકૃષ્ણે એક ખાતરીભર્યું સ્મિત આપ્યું. અર્જુનને પૂરેપૂરી ખાત્રી હતી કે તેનું ભાવિ ભીષ્મના હાથમાં નહીં. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં સુરક્ષિત હતું. ભગવાન તેની ઉપર દૃષ્ટિ રાખતા, તેનું રક્ષણ કરતાં જાગ્રત જ હતા.
એકવાર પ્રમુખસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે “આવી એક મહાન સંસ્થાના ગુરુ તરીકેની તમારી આટલી મોટી જવાબદારી બાબતે આપને કોઈ ફિકર થાય ખરી ?” સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો,“માલિકે ભગવાન સ્વામિનારાયણ છે, હું તો તેમની આજ્ઞા મુજબ સંચાલન કરનારો એક અદનો સેવક છું.”
સ્વામીશ્રીને સંસ્થાના સૂત્રધાર હોવાનો એક પણ ક્ષણ માટે પણ બોઝ લાગતો નથી. કારણ કે તેઓનું કહેવું છે કે કર્તાહર્તા તો ભગવાન છે. બધી સમસ્યાઓનું નિરાકરણ તેઓશ્રી ભગવાનની રુચિમાં રહી તેમની રુચિ અનુસાર કરતા હોવાથી કોઈપણ પ્રકારનો બોઝ જણાતો નથી.
શ્રદ્ધાથી ભયને ટાળી શકાય છે. કારણ કે ખરેખર ઊંડી અટલ અને અસલ શ્રદ્ધા હશે તો વિશ્વની કોઈ તાકત તેનાથી અધિક સામર્થ્યયુક્ત નથી. શ્રદ્ધા એ કોઈ ઉપચારક નથી, તે તો જાતે જ ઇલાજ છે. ભય નિવારણનો એકમાત્ર સચોટ ઇલાજ છે.
ભગવાન સ્વામિનારાયણ શ્રદ્ધાનો આધ્યાત્મિક લાભ બતાવતાં કહે છે –
“જો વ્યક્તિને એને સંત તથા પરમેશ્વરના વચનને વિષે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દૃઢ વિશ્વાસ હોય, તો ગમે તેવાં તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે.”
એટલે જ ગીતા કહે છે કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો અતિ મોટા ભયથી રક્ષા કરે છે.

Previous articleપંજાબની કેટરીના તરીકે જાણીતી શહેનાઝ ગિલ પંજાબ પહોંચી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે