ચેન્નઈ સુપર કિંગ્સે પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો

46

મુંબઈ, તા.૧૩
રોબિન ઉથપ્પા અને શિવમ દૂબેની વિસ્ફોટક બેટિંગ તથા બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવવામાં સફળતા મેળવી છે. આઈપીએલ-૨૦૨૨માં રવિન્દ્ર જાડેજાની આગેવાનીવાળી ચેન્નઈની ટીમ સળંગ ચાર મેચ હારી ગઈ હતી. જોકે, મંગળવારે ચેન્નઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૨૩ રને પરાજય આપીને પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ચેન્નઈએ ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૬ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેમાં ઉથપ્પા અને શિવમ દૂબેએ ઝંઝાવાતી બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૯૩ રન નોંધાવ્યા હતા. ચેન્નઈ માટે દૂબેએ અણનમ ૯૫ અને ઉથપ્પાએ ૮૮ રન ફટકાર્યા હતા. બેંગલોર સામે ૨૧૭ રનનો જંગી લક્ષ્યાંક હતો અને શરૂઆતથી જ ટીમ દબાણમાં હતી અને તેમાં તેણે નિયમિત રીતે વિકેટો ગુમાવી દીધી હતી. સુકાની ફાફ ડુપ્લેસિસ અને અનુજ રાવતની ઓપનિંગ જોડીએ અપેક્ષા પ્રમાણે શરૂઆત કરી ન હતી. ડુપ્લેસિસ આઠ અને રાવત ૧૨ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સ્ટાર બેટર વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગ્સની આશા હતી પરંતુ તે ફક્ત એક જ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ટીમે ૪૨ રનમાં ટોચની ત્રણેય વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં મિડલ ઓર્ડરમાં ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, સુયશ પ્રભુદેસાઈ તથા દિનેશ કાર્તિકે પોતાની રીતે પ્રયાસ કર્યા હતા પરંતુ તેમના પ્રયાસો જંગી લક્ષ્યાંક સામે વામણા સાબિત થયા હતા. મેક્સવેલે આક્રમક બેટિંગ કરી હતી પરંતુ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. તે બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૧૧ બોલમાં ૨૬ રન નોંધાવીને આઉટ થયો.

Previous articleફુલે બાયોપિક : એક્ટર પ્રતીક ગાંધી બનશે મહાત્મા ફુલે
Next articleભાવનગરમાં છેલ્લાં બે વર્ષમાં આશરે ૧૦ લાખ કોરોના ટેસ્ટીંગ કરાયાં