હનુમાનઃ યુવાનોનું આદર્શ ચરિત્ર

45

ભારત એક એવો મહાન દેશ છે કે જ્યાં ભક્તોની પરંપરા નિર્માણ થઇ છે, પરંતુ એક પણ ભક્તોનું ન તો સ્વતંત્ર મંદિર છે ન તો ભગવાનના મંદિરમાં સ્થાન છે. પરંતુ હનુમાન જેવા રામભક્ત કે જ્યાં પ્રભુ રામચંદ્રનું મંદિર છે ત્યાં તેમનું સ્થાન હોય, એટલું જ નહીં ગામડે ગામડે અને શહેરમાં ઠેકઠેકાણે હનુમાનજીનું સ્વતંત્ર મંદિર પણ છે. લોકોએ તો હનુમાનને દેવ સમજીને પૂજન કર્યું, પરંતુ પ્રભુ રામચન્દ્રને પણ તેમની માટેની ભાવના સમજી લેવા જેવી છે. રામ કહે હનુમાનના બાહુવીર્યના લીધે મને લંકા, સીતા, વિજય તથા મિત્રો મળ્યા છે, તેથી હનુમાનને પ્રભુરામેં હૃદય સરસા ચાંપી આલિંગન આપે છે.
હનુમાન જેવા મહાન રામભક્તે રામને ઋણી રાખ્યા છે, તેથી તો યુવાનો એ સમજવું જોઈએ કે હનુમાનના વીર વિચાર જીવનમાં ઉતારી હનુમાનજીની જયંતિ ઉજવવી જોઈએ. રામ ભક્ત હનુમાનની જન્મ જયંતી હજારો વર્ષોથી ઊજવાય છે.
મહાપરાક્રમી હનુમાન ચૈત્ર પૂર્ણિમાના દિવસે લાભ મુહૂર્તમાં કેશરીરાજ વાનરની પત્ની અંજલીના કુખે વાયુદેવના પ્રસાદ તરીકે હનુમાનનો જન્મ થયો, જેને રુદ્રનો અવતાર પણ કહેવામાં આવે છે. નાનપણથી જ હનુમાન પરાક્રમી હતા. સૂર્યને ફળ સમજી પકડવા પ્રયત્ન કર્યો તે વખતે રાહુ સૂર્યનો ગ્રાસ કરતો હતો, તેથી એકના બદલે તેમણે બે ફળ જોઈ મારુતિ તેની તરફ વળ્યા. રાહુ ગભરાઈને તેણે ઈન્દ્રની મદદ માંગી. ઇન્દ્રે મારુતિની દાઢી ઉપર વ્રજનો પ્રહાર કર્યો અને હનુમાનજી મૂર્છિત થયા. વાયુદેવ ગુસ્સે થયા, તેથી બધા દેવોએ હનુમાનને વરદાન આપ્યા. ઇન્દ્રે કહ્યું કે મારું વ્રજ આપું તેને કદી મારી શકશે નહીં. સૂર્ય બુદ્ધિમતા આપી. કુબેર ગદા આપી. બ્રહ્મદેવે અભયત્વ આપ્યું, તેથી હનુમાન મહાપરાક્રમી બન્યા.
બુદ્ધિમાનોમાં વરિષ્ઠ વિચારવંત કેવળ શરીર નહીં પણ ગુણોને જુએ છે અને જ્ઞાની પુરુષ શરીર અને ગુણોને તો જુએ છે પણ તે માનવીમાં રહેલા આત્મતત્વનો પણ વિચાર કરે છે. ઋષિમુક પર્વત પર ધનુર્ધારી રામ અને લક્ષ્મણને આવતા જોઈ સુગ્રીવે તે બંને કોણ છે, તેની ભાળ મેળવવા હનુમાનને મોકલી આપ્યા હતા. વિભીષણને આશ્રય આપવો કે નહીં તે માટે રામે હનુમાનને પૂછ્યું હતું.
હનુમાન ધીર-વીર અને રાજનીતિ નિપુણના વિશેષણોથી ભરપુર હતા. તેમજ તેઓ બળ બુદ્ધિથી સંપન્ન થતા. તેમને માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું જ્ઞાન હતું. ટૂંકમાં કહીએ તો હનુમાન પાસે જબરદસ્ત બુદ્ધિમતા અને વિદ્વતા હતી. તેથી, તો તેણે બુદ્ધિમતાં વરિષ્ઠમ કહેવામાં આવે છે.
હનુમાનજી યુવાનોના આદર્શ હતા. તેઓ રામના આજીવન દાસ થઈને રહ્યા, એટલે તો કહી શકાય કે હનુમાન એટલે સેવક અને સૈનિકનો સહયોગ. તેમજ ભક્તિ અને શક્તિનો સુભગ સમન્વય. આજે સમાજમાં જ્યાં ત્યાં રાવણો અને કુંભકર્ણના વિચારો જોવા મળે છે, ત્યારે આવા સમયમાં હનુમાનના બુદ્ધિનિષ્ઠ વિચારની જરૂર છે, જો આવા વિચાર હશે તો કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર સુખી અને સમૃદ્ધ બનશે.
ટૂંકમાં કહીએ તો આજે શનિવારે ફક્ત હનુમાનના મંદિરે તેલ ન ચડાવતા યુવાનોએ જીવનમાં હનુમાનજી અને રામ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની ભાવના કુટુંબમાં અને આપણા જીવનમાં લાવી હનુમાનના સૈનિક બની લાવીશું તો જ હનુમાન જયંતી ખરા અર્થમાં ઉજવવી ગણાશે.
ડૉ.મનોજભાઈ જી ચૌહાણ
પ્રિન્સીપાલ
મોડેલ ડે સ્કૂલ સણોસરા, ચોટીલા
મોબાઈલ નંબરઃ૯૮૨૪૧૨૯૯૦૭

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article“શ્રધ્ધા અને વિશ્વાસ”