શહેરના વિકસતા સિમાડાઓને જોડવા : જુના આનંદનગર, રૂવા, શિતળામાં, વરતેજ, ખોડિયાર મંદિરના રૂટની સાથે નવા રૂટ ઉમેરવા માંગ
ભાવનગર શહેરના સિમાડાઓ સતત વિસ્તરી રહ્યા છે અને નવી નવી વસાહતો પણ આકાર લઇ રહી છે ત્યારે સંકોચાયેલ સીટી બસ સેવા વિસ્તારવા અને લોકોને સુવિધા પુરી પાડવા વ્યાપક માંગ ઉઠવા પામી છે. ભાવનગર શહેરની વસ્તીની સાથે વિસ્તાર પણ સતત વધી રહ્યો છે અને તરસમીયા, રૂવા, અધેવાડા, સિદસરને પણ ભાવનગર શહેરી વિસ્તારમાં સમાવવામાં આવ્યા છે જેને કારણે રહેણાંક વિસ્તાર પણ વધવા પામ્યો છે પરંતુ આ વિકસીત વિસ્તારોમાંથી ગામમાં આવવા કે અન્ય જવા માટે સરળ સાધન સીટી બસ સેવા મળતી નથી અને ન છુટકે આવા વિસ્તારના લોકોને ઉંચા ભાડા ખર્ચી રીક્ષાનો આશરો લેવો પડે છે. હાલ મોંઘવારી બેકાબુ બની છે ત્યારે આવા તોતીંગ ભાડા પણ આકરા બને જ. ભાવનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી સીટી બસ સેવા સાવ બંધ જેવી જ છે. ફક્ત ચાર બસ અને એ પણ ભરતનગર એક માત્ર રૂટ પર ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટ રીન્યુ થાય છે પણ શહેરના અન્ય વિસ્તારોનું શું. અગાઉના કાર્યકાળમાં આનંદનગર, વરતેજ, કમળેજ, શિતળામાતા, સુભાષનગર, ગાયત્રીનગર, નારી, રવિવારે ખોડિયાર મંદિર સીટી બસ સેવા અપાતી હતી. પરંતુ હાલ નવા રૂટ ઉમેરવાના બદલે જુના હતા તે પણ બંધ છે જેથી પ્રજાજનોને રાહત તો દુર રહી હાલ ઉંચા ભાડા ચુકવી યાતાયાત કરવી પડી રહી છે. સતાધારી પક્ષ ભાજપ સામે લોકોને સીધી અસર કરતી સીટી બસ સેવા અંગે શહેર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. આ રૂટના રીક્ષા ચાલકોને જો પુરતા પેસેન્જર મળી શકતા હોય તો સીટી બસ સેવાને પણ મળે જ. રાજ્યના જુનાગઢ, રાજકોટ, વેરાવળ, પોરબંદરમાં આ સેવા વિસ્તરી રહી છે તો ભાવનગરમાં કેમ ઘટી રહી છે તેવા સવાલ ઉઠવા પામ્યા છે. લોકોની સુખાકારી માટે નવા રૂટો શરૂ કરવા માંગણી ઉઠવા પામી છે.
















