કેન્દ્રએ પરિપત્ર કર્યો પરંતુ અમલવારી કરવામાં ભાવનગર મહાપાલિકા પ્રથમ!ઃ યુનિયને અન્યાય ગણાવી નોંધાવ્યો વિરોધ
મહાપાલિકાના નિવૃત થતા કર્મીઓને હક્ક રજાનું રોકડમાં રૂપાંતર કરી ચૂકવાતા વળતરને પગાર ગણી તેમાં ટીડીએસ કાપવા તખ્તો થતા કર્મચારીગણમાં વિરોધ ઉઠ્યો છે. કર્મચારી યુનિયનોએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવી કેન્દ્ર કે રાજ્ય સરકાર અમલ કરે તે પૂર્વે ભાવ. મહાપાલિકામાં અમલવારી સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.
મહાપાલિકાના ચીફ એકાઉન્ટ વિભાગ દ્વારા એલ.ટી.સી. બ્લોક કે નિવૃતિ , અવસાન કે સ્વૈચ્છીક નિવૃતીનાં કિસ્સામાં કર્મચારીને ચુકવાતી રકમ સેલેરીમાં ઉમેરી ટી.ડી.એસ. ગણતરી કરવાની રહે તે મુજબ ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે કેન્દ્ર સરકાર કે રાજય સકારની અન્ય કચેરીમાં લીવ એન્ડેશમેન્ટ ચુકવણા સમયે કોઈ જ પ્રકારની ટી.ડી.એસ. કપાત કરવામાં આવતી નથી. ભાવનગર મહાપાલિકાને પણ રાજય સરકારનાં જ નિયમો લાગુ પડે છે . રાજય સરકારના અન્ય બોર્ડ, નિગમોમાં પણ આ પ્રકારની કોઈ જ કપાત લીવ એન્કેશનમેન્ટમાંથી કરવામાં આવતી નથી. માત્ર ભાવનગર મહાપાલિકાના કર્મચારીઓને આ જોગવાઈ લાગુ કરવામાં આવે તે જરા પણ યોગ્ય નથી. જેમ પગાર પંચના અમલીકરણ માટે પહેલા કેન્દ્ર બાદમાં રાજય અને પછી મહાપાલિકા આવે છે તેમ આ નિયમની અમલવારી ક્રમ મુજબ કરવાના બદલે મહાપાલિકા સ્તરેથી થવા સામે નારાજગી વ્યક્ત કરાઈ છે. વધુમાં નિવૃત્તિ સમયે અવસાન સ્વૈચ્છીક નિવૃતિ વખતે કર્મચારીને હકક રજાનું રોકડમાં ચુકવણું કરવામાં આવે છે તે તેમની નોકરીના સમગ્ર સમયગાળા દરમ્યાન જમા કરેલ રજાનો પગાર હોય છે અને આવી ૨કમનાં વ્યાજમાંથી નિવૃત્તિ સમય પસાર કરવાનો હોય છે. ત્યારે આ વલણ અન્યાય કારી હોવાનું ભાવનગર મ્યુનિસિપલ નોકરિયાત સભા અને ભાવનગર મહાપાલિકા મઝદુર સંઘે વિરોધ કરી યોગ્ય ઘટતું કરવા મ્યુ.કમિશનરને રજુઆત કરી છે.
એકાઉન્ટ વિભાગે હુકમ કર્યો પરંતુ અમલવારીમાં મહાપાલિકાના સંલગ્ન વિભાગો ચકરાવે ચડ્યા
મ્યુ. ચીફ એકાઉન્ટ વિભાગે કરેલા ઉક્ત હુકમમાં ટી.ડી.એસ. કેટલા ટકા કાપવો, સોફટવેર બનાવેલ નથી. વિગેરે ટેકનીકલ બાબતો પણ હાલ મહાનગરપાલિકાના સંલગ્ન વિભાગો વચ્ચે ચકરાવે ચડેલ છે. આજની તારીખ સુધીમાં એક પણ હકક રજાના રોકડમાં રૂપાંતરનાં બિલોનું ચુકવણું થતુ નથી. નિવૃત્તિ પછી કર્મચારીએ યોગ્ય આયોજન કરી પોતાનું ટેકસ પ્લાનીંગ કરતા હોય છે. અત્યાર સુધીમાં આ બાબતે નથી કોઈ કર્મચારીની કે મહાનગરપાલિકાની કોઈ જવાબદારી આઈ.ટી. વિભાગ ઘ્વારા નકકી થઈ નથી!