પાંચમા લગ્ન કરી જીવ ગુમાવવાની શું જરૂર હતી ? રાજુનો વેધક સવાલ

61

“ગિરધરભાઇ. તમને પાંચમી વાર પરણવું ગમે?” રાજુએ મારા કાનમાં ફાધર ઓફ બોમ્બ ફોડ્યો. મારા કાનમાં સાલ્લા તમરાં, કંસારી, દેડકા, મચ્છર બોલી ગયા. તમરાંના પરમ પૂજય પ્રાંતઃ સ્મરણીય પિતાશ્રીનું શું જાય?
“ રાજુ. આ પ્રશ્ર છે કે ઓફર ? મને મજાક પસંદ નથી!” રાજુને સ્પષ્ટ કહી દીધું.
“ ગિરધરભાઇ. તમને પાંચમી પરણવા માટે કોઇ દાદી મળે ,કદાચ? બાકી તમે બિનહથિયારી કોન્સ્ટેબલ જેવા કોથળાસ્વરૂપ થઇ ગયા છો!” રાજુએ મારી ફિરકી ઉડાવી.
“ રાજુ. કાળઝાળ, સાક્ષાત્‌ રણચંડી જેવી દુર્ગા મા જેવી તારી ભાભી જોઇ છે? એને સ્વપ્નમાં પણ વરઘોડે ચડું તો મને વરગધેડો બેસાડી દે!!ખોટી ખોટી મધલાળ શું કામ આપે છે? તને શરમ નથી આવતી??” રાજુને શબ્દોની ચાબુક ફટકારી.
લગ્નના લાડું સ્વીટ માર્ટના શો કેસમાં પ્રદર્શિત કરેલ ડ્રાય ફ્રૂટની મિઠાઇ જેવા ચિતાકર્ષક હોય છે. લગ્નના લાડું ખાનાર એઝ યુઝવલ પસ્તાય છે. કેમ કે તેને લાડું લાકડા કે લોખંડના લાગે છે. જેમણે આ લાડું ખાધા નથી પણ લગ્નના લાડુથી લલચાયો હોય છે તે ખાવા તલપાપડ નહીં પણ એનાથી વધુ થનગનભૂષણ હોય છે!!એટલે કે ખાતે વો ભી પસ્તાયે ન ખાયે વો ભી પસ્તાયે!!
લગ્નની જોડીઓ ઉપરવાળો ( પાંચમા માળે રહેતો ભગવાન નહીં!!) નક્કી કરે છે અને નીચે તેની ઔપચારિકતા નિભાવવાની હોય છે. પણ મારો સવાલ એ છે કે શું લગ્નવિચ્છેદ પાતાળમાં નક્કી થાય છે અને વકીલો-ફેમિલીકોર્ટ નક્કી કરે છે?
લગ્ન કરવા સહેલા છે.એટલે “ચટ મંગની અને પટ બ્યાહ “કહેવત પ્રચલિત છે! ગામડામાં સ્ત્રી પાણી ભરેલી હેલ ( જેમાં હાંડો અમે ગાગર બે વાસણો હોય છે.) લઇને મનના માણીગરના ધરના દરવાજે ઉભી રહે , મનનો માણીગર હેલ ઉતારે એટલે લગ્ન નક્કી. કોઇ વિધિ નહીં, કોઇ ગોર નહીં, જાનૈયા, માંડવિયા, ચોરી-માયરા,રામણદીવો કન્યા વિદાય- તમામના બાદબાકી થઇ જાય!!
આપણે ત્યાં કહેવત છે કે ગોર ફેરા ફેરવી દે , ઘર ચલાવી ન દે! કેમ કે તાંબાની તાવડી તેર વાના માંગે. લગ્ન કરવા સહેલા છે, ગૃહસ્થી ચલાવવી એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે!!
લગભગ એક વાર લગ્ન કરનાર એવો પિટાય છે, ટીપાય છે કે બીજીવાર લગ્ન કરવાની ખોડ ભૂલી જાય છે. એમાં પણ છૂટાછેડાના ચક્કરમાં એવો ફસાય છે કે કબીર સાહેબ કહે છે તેમ દો પાટન કે બીચમેં બાકી બચા ન કોઇ જેવી હાલત થાય છે.
હમણા એક ભાઇએ આત્મહત્યા કરી. હું દ્રઢપણે માનું છું કે દરેક સમસ્યાનો ઇલાજ છે. આત્મહત્યા કોઇ સમસ્યાનો ઇલાજ નથી. એ કાયરતા કે પલાયનવાદ છે. જેમ તોફાન જોઇ શાહમૃગ રેતીમાં માથું ખોસી ક્યાંય તોફાન નથી એનું આભાસી આશ્વાસન લે છે પણ તોફાન છે જ!!
એ ભાઇએ ટ્રાયલ અને એરર પધ્ધતિનો ગહન અને તલસ્પર્શી અભ્યાસ કરવા એક પછી એક એમ ચાર લગ્ન કરેલા. લગ્નમાં મગન એ છગનને ગામની બળેલી વનમાં ગઇ તો વનમાં દવ ( જંગલમાં આગ લાગે તેને દવ લાગ્યો તેમ કહેવાય.)લાગ્યો જેવી શીતળ દાહક પરિસ્થિતિ સર્જાઇ. અમારા રાજુ રદીનું હલકું હલકું સંશોઘન છે કે વધુ લગ્ન કરનારને ફારગતી, લખણું, લગ્નવિચ્છેદના લગ્નની સંખ્યા જેટલા જ સુખદાનુભૂતિ થાય છે. હોલીવુડ એકટ્રેસ એલીઝાબેથને એકટર રીચાર્ડ બટન સાથે બ વાર લગ્ન અને બે વાર છૂટાછેડાના અનુભવ થયેલા!!
એ ભાઇ રાવબહાદુર કે બહાદુર પુરૂષ હતા. તે કરોળિયાને આઇકોન માનતા હશે. કરતાં જાળ કરોળિયો ભોંય પડી ગભરાય વણતૂંટેલે તાંતણે ઉપર ચડવા જાય. તેમણે નિષ્ફળતાને સફળતાની એસ્કેલેટર માની પાંચમી વાર લગ્ન કર્યા. તમે ખાધું પીધું મને ( તા-ના)રાજ કર્યું , એવા એંજલ કે ફેરી ટેલ હેપી એન્ડીંગની અપેક્ષા રાખી હશે તો હું તમને નારાજ કરીશ . કેમ કે , આ વાદ્યને કરૂણ ગાન ભાવે છે એવું કોઇ કવિ કહી ગયા છે!!
એ ભાઇને પાંચમા લગ્નમાં લૂંટેરી દુલ્હન ભટકાઇ. બે-ત્રણ દિવસના પ્રલંબ દામ્પત્યજીવનની યાદો -અલબત, આભૂષણો, વસ્ત્રાલંકાર, રોકડ અને ગોરધનનો વિશ્વાસ લઇને પલાયન થઇ ગઇ. સંપર્ક કર્યા પછી પરત આવવાની ધરાર ના પાડી!! જેનો આઘાત લાગવાથી પેલા હતભાગીએ કૂવો પૂર્યો!
આજીવન વાંઢા સ્વરૂપ રા. રા. રાજુ રદી કહે છે કે વાંઢાનું મહેણું ભાંગવા કે મિંઢોળબંધા થવાનો સનો ભાંગવા નાછૂટકે લૂંટેરી દુલ્હનન બડા ચક્કરમાં ફસાય. પણ પાંચમા લગ્ને લૂ્‌ટેરી દુલ્હન??
ભાઇ લગ્નનું સુખ તારા કિસ્મતમાં હોત તો પહેલા લગ્નમાં સુખના ધુબાકા મારતો હોત . પછી પાંચમા લગ્ન કરવાની શી જરૂર હતી??
ભરત વૈષ્ણવ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૬ થી ૧૨ વર્ષના બાળકો માટે ત્રણ વેક્સિનને એપ્રુવલ