જળ, જમીન, પર્યાવરણની રક્ષા, સારા આહાર માટે પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપતા રાજયપાલ

141

રાસાયણિક કૃષિના દુષ્પરિણામો પ્રકૃતિથી દૂર જવાનું પરિણામ- પ્રકૃતિ તરફ પાછા વળો- અપીલ કરતા મહામહિમ આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભાવનગર ખાતે યોજાયેલાં ખેડૂત સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી આખું વિશ્વ ત્રસ્ત છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાનું આ પરિણામ છે. જળ- જમીન અને પર્યાવરણની રક્ષા, સ્વાસ્થ્યપ્રદ આહાર તેમજ ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે હવે પ્રકૃતિ તરફ પાછા વળીને પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત આવશ્યક છે. આઝાદી બાદ ખાદ્યાન્નની પૂર્તિ માટે હરિત ક્રાંતિ તળે રાસાયણિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી, પરંતુ આજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગને કારણે જમીન બંજર બની રહી છે, ઉત્પાદન ઘટી રહ્યું છે. સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિથી દૂષિત આહારને કારણે લોકો અસાધ્ય બીમારીના ભોગ બની રહ્યાં છે તેમણે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ-ગૌ મૂત્ર-બેસન-ગોળ અને માટીથી બનતાં જીવામૃત અને ઘનજીવામૃતનાં ઉપયોગથી જમીનમાં અળસિયાં જેવાં મિત્ર સુક્ષ્મ જીવોની માત્રા વધે છે, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધતાં જમીન ફળદ્રુપ બને છે, સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે અને દેશી ગાયનું જતન થાય છે. ઓર્ગેનિક અર્થાત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીને તદ્દન અલગ ગણાવી જણાવ્યું હતું કે, જૈવિક ખેતીમાં પુષ્કળ માત્રામાં છાણિયાં ખાતરની જરૂર પડે છે. વિદેશી અળસિયાંને ભારતીય વાતાવરણ અનુકૂળ આવતું નથી. જૈવિક ખેતીમાં શરૂઆતનાં વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં ખેતી કરી શકાય છે. જેના કારણે કૃષિ ખર્ચ ઘટે છે, સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નનાં પ્રમાણમાં સારા ભાવ મળતાં ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. આ તકે કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ જણાવ્યું હતું કે, આર્યસમાજ દ્વારા હંમેશા અનોખી શીખ અને ઉર્જા મળે છે. ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણને તંદુરસ્તીનું મહત્વ સમજાયું છે, ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીએ અને ભાવનગરના ઇતિહાસ ગૌરવને જાળવી રાખીને તેને વધુ ઉન્નત બનાવીએ. આ પ્રસંગે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ ’શીધ્ર આર્થિક સફળતા વિજ્ઞાન’ પુસ્તકનો પરિચય આપતાં જણાવ્યું કે, આજકાલ ધનનો મહિમા સર્વોપરી છે. તેવાં સમયે વૈદિક પરંપરાના મૂલ્યોને કેવી રીતે જીવનમાં અમલમાં મૂકી શકાય તે દર્શાવ્યું છે. તેમણે વધુમાં આ પુસ્તક વિશે વૈજ્ઞાનિક સમજ આપતાં જણાવ્યું કે, વિજ્ઞાનમાં પગલાઓ અને તબક્કાઓ હોય છે તેને જો ક્રમાનુસાર અનુસરવામાં આવે તો રોકડી સફળતા હાંસલ થાય છે.

Previous articleત્યાગ, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના સંસ્કાર ભાવનગરની ધરતીમાં ધડકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Next articleઆજરોજ રોહિશાળા ગામ મુકામે સાર્વજનિક પુસ્તકાલયનું ખાત મૂહુર્ત કરવામા આવ્યું