જેસર રેવન્યુ વિસ્તારમાં સિંહ પાછળ વાહન દોડાવી પજવણીનો વીડિયો વાયરલ

82

વન વિભાગે ઇકોકાર સાથે ગણતરીના સમયમાં બે શખ્સોને ઝડપી લઈ કરી કડક કાર્યવાહી
ગીર જંગલની બોર્ડર પર જેસર, મહુવા, પાલિતાણા પંથકના બૃહદગિરમાં સાવજોએ વસવાટ પુનઃ સ્થાપિત કર્યો છે. ત્યારે કેટલાક વિકૃત આનંદ લેનાર શખ્સો ખાનગીમાં સિંહની પજવણી કરતા હોય તેવા બનાવો સમયાંતરે બહાર આવતા હોય છે. બે દિવસ પૂર્વે સિંહની પજવણીનો વધુ એક કિસ્સો વાયરલ થયેલા વીડિયો મારફત વન તંત્રના ધ્યાને આવતા આરોપીઓ સુધી પહોંચી તેઓને પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી હતી. બૃહદગીર વિસ્તાર ગીરના સાવજોને માફક આવી ગયો છે તો સ્થાનિક ખેડૂતો, પશુપાલકોને પણ સિંહો પ્રત્યે ખાસ અણગમો નથી. સિંહો સૌરાષ્ટ્‌ અને ગીરનું ઘરેણું છે ત્યારે લોકો સિંહો જોઈ રોમાંચિત થઈ રહ્યા છે પરંતુ કેટલીક વાર વિકૃત આનંદ માટે સિંહની પજવણી કરી બેસતા હોય છે અને પોતે શેખી મારવા વીડિયો વાયરલ કરી ગૌરવ મેળવતા હોય છે. બે દિવસ પૂર્વે શેત્રુંજય ડિવિઝન નીચેના જેસર રેવન્યુ વિસ્તારમાં એક સિંહ જોવા મળતા ઇકો કારમાં સવાર લોકોએ તેની પાછળ સ્પીડમાં કાર દોડાવી સિંહને દોડાવી પરેશાન કરી આ સાથે તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. આ વીડિયો વન વિભાગને હાથ લાગતા આ ગુન્હામાં સંડોવાયેલ શખ્સોની ઓળખ કરી જેસરના ઝડકલા ગામના મનસુખ બારૈયા અને વિનોદ બારૈયાની ધરપકડ કરી તેની સામે વન્યધારાની જુદી જુદી કલમો તળે ગુન્હો નોંધી ઇકો કાર સાથે ધરપકડ કરી હતી. જેસરના આરએફઓ વેગડાના જણાવ્યાનુસાર આ ગુન્હામાં આરોપીને ૩થી ૭ વર્ષની સજાની જોગવાઈ છે.

Previous articleખુલ્લા મેદાનમાં ખાટલો ઢાળી સુતેલા યુવાનને ટ્રકે કચડી નાખી કાયમી પોઢાડી દીધો
Next articleબજરંગ દાસબાપાના ફોટા સાથે યાત્રા કાઢી ‘આપે’ મઢુલીનો યુઝર્સ ચાર્જ ચૂકવ્યો…!