તલગાજરડામાં ચિત્રકુટ એવોર્ડથી ૬૬ શિક્ષકોને સન્માનતા મોરારીબાપુ

47

મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે પૂ. મોરારીબાપુએ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકોને પ્રતિવર્ષ એનાયત થતો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કર્યો હતો. સને ૨૦૨૦ અને ૨૦૨૧ના કુલ મળીને ૬૬ (દરેક જિલ્લામાંથી એક) શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોની ચિત્રકુટ એવોર્ડથી વંદના કરવામાં આવી હતી. આ એવોર્ડમાં ૨૫૦૦૦ રૂપિયા નો ચેક, એવોર્ડનો શિલ્ડ, પ્રમાણપત્ર, શાલ, કાળી કામળી અને સૂત્રમાલાથી દરેક શિક્ષકનું સન્માન થયું હતું. એવોર્ડ અર્પણ કરતા પૂજ્ય મોરારીબાપુએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકને જોવું ત્યારે મને હરખ બહુ થાય છે. હું પણ પ્રાથમિક શિક્ષક હતો, તેનું મને ગૌરવ છે. દર વર્ષે આટલા ભાવથી તમે બધા તલગાજરડા આવો છો તે મને ગમે છે. સૂત્રાત્મક રૂપમાં વાત કરતા બાપુએ કહ્યું કે, શિક્ષણએ કર્મ નથી ધર્મ છે. ધર્મ ની છાયા માં કર્મ હોય છે. તમે જે કરી રહ્યા છો તે ધર્મ છે. ઉપનિષદ પણ એમ સમજાવે છે. શિક્ષણરૂપી ધર્મના ચાર થાંભલા સંપ, સંતોષ, બુદ્ધિના સારા નિર્મલ વિચાર અને સાધુ સંગ એટલે કે સારી સોબત છે. શિક્ષકોમાં આંતરિક સમતા બની રહેવી જોઈએ. સહુનો સંપ નંદવાવો થવો ન જોઈએ. તેમજ શિક્ષકમાં સંતોષ હોવો જોઈએ. ખોટો સંગ ન જ કરીએ. અને નિર્મળ સારા વિચારો અને સારા લોકોનો સંગ હંમેશા રાખીએ.! હંમેશા નિષ્પક્‌, નિરવેર અને નિર્ભય રહીએ. શિક્ષક સહિતના સર્વે કમ સુખમની વાત કરી બાપુએ ઉમેર્યું કે શિક્ષક,સેવક,સૈનિક, કૃષક, ચિત્ર, વૈજ્ઞાનિક, સાધક,સંપાદક,સંવાહક એ બધા સૌને સુખ આપનારા છે..!! આગામી સમયમાં ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ માટે રામ કથા આયોજનની બાપુએ સહમતિ દર્શાવી હતી. તેમજ દેશના પ્રાથમિક શિક્ષકને પદ્મશ્રી એવોર્ડ મળે તેવો મનોરથ બાપુએ વ્યક્ત કર્યો હતો. જૂની પેન્શન યોજના માટે વાત કરતાં બાપુએ કહ્યું કે તેમાં બધું યોગ્ય અને નિયમસર રીતે હોય તે શિક્ષકોને લાભ મળવો જોઇએ. ચિત્રકૂટ એવોર્ડ માટે શ્રેષ્ઠ શિક્ષકની દરેક જિલ્લામાંથી એક એ મુજબ પસંદગીનું અઘરું કાર્ય ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ સંભાળે છે, તે કામને બાપુએ બિરદાવ્યું પણ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામ બાપુ જણાવ્યું હતું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની કાળજી કરે છે ત્યારે જીવનનું સૌથી મહત્વનું મૂલ્ય ઉજાગર થાય છે. આકૃતિ માંથી વિભૂતિ બનાવનાર શિક્ષક ઘડવૈયો, માળી અને ચેતનાની ખેતી કરતા ખેડૂતનેમા પછીનું સ્તર એટલે માસ્તર કહ્યો છે. મૂલ્ય શિક્ષણ-ઘડતરનો સૌથી ગ્રહણશીલ ગાળો પ્રાથમિક શિક્ષણનો છે. તેથી મૂલ્ય શિક્ષણ દ્વારા બાળકમાં સદગુણોનું આરોપણ શિક્ષક જ કરી શકે.! આ વેળાએ સંઘના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ તેમજ વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા પણ પ્રાસંગિક વાત કરી હતી. શાબ્દિક સ્વાગત ગણપતભાઇ પરમારે જ્યારે સંચાલન ભરતભાઈ પંડ્યાએ સંભાળ્યું હતું. ગજેન્દ્રસિંહ વાળા, જયદેવભાઈ માંકડ, રસિકભાઈ અમીન વગેરે વ્યવસ્થામાં જોડાયા હતા શિક્ષણ સમિતિના ચેરમેન, મહામંત્રી સતિષભાઈ પટેલ, મધુકર ભાઈ ઓઝા, મનુભાઈ શિયાળ, ભાભલુભાઈ વરુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અહીં મહુવા તાલુકાના નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનો નું પણ મોરારીબાપુએ અભિવાદન કર્યું હતું.