સિહોરમાં ફૂડ પોઇઝનીંગનો બનાવ : છાસ પીધા બાદ સંખ્યાબંધ લોકોની તબિયત લથડી

52

જુદા જુદા ત્રણ પ્રસંગોમાં ભોજન લીધા બાદ લોકોની તબિયત લથડી
સિહોરમાં રવિવારે અલગ-અલગ સ્થળોએ લગ્ન પ્રસંગ હતા જેમાં જમણવારમાં સામેલ થનાર મહેમાનોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થઇ જતા સિહોરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સંખ્યાબંધ વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી. આ બનાવથી ભારે દોડધામ મચી જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ હાલ લગ્નસરા પૂરજોશમાં હોય તેની સાથોસાથ ઉનાળો પણ પુરજોશમાં છે તેવામાં ભાવનગરના સિહોર ખાતે અલગ-અલગ ૩ સ્થળોએ લગ્ન પ્રસંગ હોય મહેમાનોને જમ્યા બાદ ફૂડ પોઈઝનીંગની અસર થતાં સિહોરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં સિહોરના ઘાંચીવાડ ખાતે રહેતા રફીક ભાઈ મુસાભાઇ સૈયદ અને મેમણ કોલોનીમાં રહેતા રફિકભાઈ રવાણી તથા અશોકભાઈ માનસિંગભાઈ જાદવ ને ત્યાં લગ્ન પ્રસંગ હોય જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ અલગ-અલગ ૩ સ્થળોએ લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગ થતા ૧૫૦ જેટલા વ્યક્તિઓને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય  વ્યક્તિઓને અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી ભારે દોડધામ મચી જવા પામી હતી. એક જ વેપારીને ત્યાંથી ત્રણેય પ્રસંગોમાં છાસ આવી હતી અને છાસ પીધા બાદ લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.