ડુંગળીના ભાવ ઓછા આવતા ખેડૂતોની મૂશ્કેલી વધી, સરકારની સહાય પણ ઓછી

52

રાજ્ય સરકાર તરફથી પ્રતિ કિલોએ સહાય રૂ. ૨ થી વધારી રૂ. ૪ કરવી જોઈએ : બજારમાં ડુંગળીના વેચાણ ભાવ રૂ. ૫૦ થી રૂ. ૧૩૦ જેટલા છે જે ખેડૂતોને પોસાય તેમ નથી
રાજ્ય સરકાર તરફથી ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ કિલોગ્રામ ડુંગળીએ અપાતી સહાયમાં વધારો કરવા માંગણી ઉઠી છે. હાલ ડુંગળીના ભાવ ઓછા આવતા હોવાથી ખેડૂતોની મૂશ્કેલી વધી છે અને સરકારી સહાય પણ ઓછી મળી રહી છે ત્યારે ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ડુંગળીની સહાય રૂ. ર આપવામાં આવે છે તેના બદલે રૂ. ૪ની સહાય કરવા રજુઆત કરાઈ છે.
હાલમાં રાજ્ય સરકાર તરફથી ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ કિલોગ્રામ ડુંગળીએ રૂ.૨ સહાય તરીકે આપવામાં આવે છે તે આવકાર્ય છે પરંતુ ડુંગળી પકવતા ખેડૂતોને કુદરતી આફતો, બિયારણના ભાવો, ખાતરના વધી રહેલા અસહ્ય ભાવો તેમજ અન્ય પરિબળોને લીધે ખેડૂતોને જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી, જ્યારે તેઓ ડુંગળી વહેચવા માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે તેને ડુંગળીના સાવ નજીવા અથવા તો તળિયાના ભાવ મળે છે જેની સામે આ મળી રહેલી સરકારી સહાય પણ ઓછી પડે છે. હાલ બજારમાં ડુંગળીના વેચાણ ભાવ રૂ. ૫૦થી રૂ . ૧૩૦ જેટલી છે જે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. રાજ્ય સરકાર તરફથી પ્રતિ કિલોએ સહાય રૂ. ૨થી વધારી રૂ. ૪ કરવી જોઈએ જેથી કરીને ખેડૂતોને રાહત મળે. ઉપરાંત આ સહાય જે એપ્રિલ મહિનાથી ચાલુ કરેલ છે તેને જુન મહિનાના અંત સુધી શરૂ રાખવી જોઈએ અને સાથો-સાથ આ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં વહેલી તકે જમા મળી જાય તો જગતના આ તાતને અગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખેડ-ખાતર અને બિયારણ માટે આ રકમ ઉપયોગી થાય. તેમ રાજુલાના ધારાસભ્ય જણાવી કૃષિ મંત્રીને લેખીત રજુઆત કરી તત્કાલ પગલા લેવા માંગણી કરી હતી.

Previous articleભાવનગર જિલ્લાના ચાર શિક્ષકોને શિક્ષણક્ષેત્રે હરિયાણા કુરુક્ષેત્ર ખાતે નેશનલ નવાચારી એવોર્ડ- ૨૦૨૨થી સન્માનિત કરાયા
Next articleખાન પરિવાર સાથે ગાઢ થઈ ગયા છે શહેનાઝના સંબંધો