મારા કાનમાં તમરા બોલવા માંડ્યા !!! (બખડ જંતર)

19

“નહીં ચાલે. નહીં ચાલે. નહીં ચાલે” હવામાં હાથ વીંઝી રાજુએ નનૈયો બુલંદ કર્યો.
“ રાજુ. રાજા ચંદ્રમૌલીનું સુપર હીટ રિકચર થ્રી આર જોઇ આવ્યો કે શું?” મેં રાજુને પૂછયું
ગિરધરભાઇ એમ કેમ પૂછો છો?” રાજુએ સામો સવાલ ઝૂડ્યા.
“ એકની એક વાત ત્રણ વાર બોલ્યો. મને થયું કે થ્રી આરની ડોલ્બી કે એચડી અસર હશે!!” મેં ચોખવટ કરી.
“ગિરધરભાઇ. હિમાલય જેવડી ભૂલ કેમ ચલાવી લેવાય.” રાજુએ પાર્ટીના પ્રવક્તા જેવું નિવેદન કર્યું.
“જો .રાજુ ,વિપક્ષોએ સંયુકતપણે શાહબાજ શરીફને પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. એ પાકિસ્તાનની આંતરિક બાબત છે. આપણે વિરોધ ન કરી શકીએ.” મેં આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેસી સમજાવી.
“ ડિપ્લોમેસીની એંસી કી તૈંસી.” રાજુ બરાડ્યો. રાજુ,કોઇ ભળતીસળતી જાહેરાતની અસર નીચે હતો.
“જો, રાજુ હવે બુલડોઝરનો વ્યાપ વધ્યો છે . યુપીથી હવે એમપી પહોંચ્યું છે. ચટ મંગની પટ બ્યાહ. તરત ફેંસલો. ઇન્સ્ટન્ટ મેગી જેવું. “ મેં રાજુને વધુ ઉશ્કેર્યો.
“ગિરધરભાઇ . હું નહીં ચલાવી લઉં .” રાજુએ દાંત ભીંસા કહ્યું .
“ રાજુ. શું નહીં ચલાવી લઇશ?” મેં મમરો મુકયો.
“આ તો , નેતાની ઇજ્જત અને વિશેષાધિકારનો મામલો છે. આમાં નમતું ન મુકાય. કાલે એક દેશ છે પરમ દિવસે બીજો દેશ. આ ચેપ બધે ફેલાય તો? આ માટે લોકો નેતા થાય છે?” રાજુ વૈશાખના તડકાની માફક ઉકળ્યો હતો.
“જો. ગિરધરભાઇ. કોરાના પેન્ડમિકમાં આપણે હાથ ધોવા, માસ્ક પહેરવો, (એન્ટી) સોશિયલ ડીસ્ટન્સ રાખવા જેવા નિયમો રાખ્યા હતા. માસ્ક વગરનાને ૧૦ રૂપિયાનો માસ્ક આપવાના બદલે ચંગીઝખાન જેની લૂંટ ચલાવી હતી. કોના માટે ? પ્રજાના આરોગ્ય- સ્વાસ્થ્યની રક્ષા માટે. ચોરાહે લોકોને ફટકાર્યા છે. બંધ કારમાં એકલા જનતાને દંડાયા છે. ત્યારે કોરાના દૈત્ય કાબુમાં આવ્યો છે.” રાજુએ કોરાના પારાયણ શરૂ કરી.
“ રાજુ. કરસનદાસ માણેકની રચના કોરાના કાળમાં પ્રસ્તુત છે.” દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના.લાખોના લૂંટનાનારા મહેફિલે મંડાય છે. માસ્ક પહેર્યા સિવાય, સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવાની સૂચનાના લીરેલીરા ઉડાવી જનમેદની એકત્ર કરવા કે ચૂંટણી રેલી- રોડ શો યોજનારાને હકૂમતે આંગળી પણ અડાડી નથી” મેં આક્રોશ વ્યક્ત કર્યો.
“ ગિરધરભાઇ. આ ધોળિયા બહુ ચોખલિયા.મોરલ વેલ્યુના બળદોના પૂંછડા આમળે રાખે છે. અમદાવાદમાં ઘરના સભ્યો પોતાના ઘરના ધાબા પર ખીચડી ( સુરતની ઘીથી લથબથ ઘારી પાર્ટી નહીં) યોજી તો તંત્રે ધોકા પછાડ્યા હતા. હરામ બરાબર કોઇ વીઆઇપીને આંગળી અડાડી હોય કે ચીંધી હોય!! આંગળી અડાડવી પણ શા માટે જોઇએ??
મ્યામારની લોકતંત્ર સમર્થક નેતા સાંગ સાન સૂને સ્પેશિયલ કોર્ટે ૪ વર્ષની કેદની સજા સંભળાવી છે. સૂ કી પર કોરોના પ્રતિબંધોનો ભંગ કરવા અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે.
ઇંગ્લેન્ડમાં પ્રધાનમંત્રી બોરીસ જોન્સને કોવિડ-૧૯ સાથે જોડાયેલા પ્રોટોકોલ્સનું ઉલ્લંઘન કરી બર્થ ડે પાર્ટી યોજેલ હતી.પીએમ જોનસનના ડાઉનિંગ સ્ટ્રીટ આવાસ પર કોરોના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં સરકારની આંતરિક તપાસમાં પુરાવા મળ્યા છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ મામલે બોરીસ જોન્સનને દંડ થનાર છે!!નાણા મંત્રીને પણ દંડ થનાર છે.”રાજુએ કહ્યું
“ રાજુ.લા હૌલ કુવ્વત! આ લોકો માણસ છે કે મટોડું. ? વીઆઇપીની કોઇ ( ન્યુસન્સ) વેલ્યું જ નહીં. સરકારી ગાડી પરની લાલ રંગની બિકન લાઇટ કાઢી નાંખો .સંસદની કેન્ટિનમાં ત્રીસ પૈસે કે ચાલીસ પૈસે મળતી ડીશ બંધ કરી દેવાની. રેલ્વે રિઝર્વેશનનો કવોટા બંધ કરી દેવા. વીઆઇપી કવોટામાંથી ગેસ કનેકશન રીલીઝ કરવાનો ઇન્કાર કરવાનો ? આ બધું બંધ થવાનું હોય તો વીઆઇપી થઇને શું કાંદા કે કંકોડા લેવાના? યુરોપમાં મધ્યયુગમાં ચર્ચના પાદરી અને રાજા પાસે દેવી અધિકારો હતા .
રાજા અને પાદરીઓમાંથી કોણ સર્વોપરી ? આના માટે સદીઓ સુધી યુધ્ધો લડાયા!!!આમ વીઆઇપી હોવા છતાં સામાન્ય જનની માફક દંડ દેવાનો હોય તો વડાપ્રધાન શા માટે બન્યા છો બોરીસભાઇ. રૂઆબ,વટ કે વીઆઇપીગીરી અમારા એકસ સરપંચ સાહેબ પાસેથી શીખો. સામેવાળોનો કોલર પકડીને ઊંધા હાથની એક થપાટ ચોડીને અડધો લિટર થૂંક વર્ષા કરીને પૂછે, “મને ઓળખતો નથ્ય. ?છઠીનું ધાવણ યાદ કરાવી દઇશ.” વીઆઇપી કલ્ચર બરકરાર રાખવા આવો ટેમ્પરામેન્ટ જોઇએ! “ મેં રાજુને ચાવી ભરી.
“ ગિરધરભાઇ. માળું હાળું વીઆઇપી કલ્ચર નાભિશ્વાસ પર છે. વીઆઇપી કલ્ચર બચાવવા આકાશપાતાળ એક કરવા પડશે. જેના ભાગરૂપે ઇંગ્લેંન્ડ સાથે તમામ પ્રકારના સંબંધો કાપી નાંખવા જોઇએ.જેંથી વીઆઇપી કલ્ચર સુદઢ કરી શકાય!!!” રાજુએ મારા કાન પાસે માનો કે બોમ્બ ફોડ્યો .
મારા કાનમાં તમરાં બોલવા માંડ્યા !!!

– ભરત વૈષ્ણવ