ભાવનગર રેલવે ડિવિઝને મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલ્યો

51

એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો
ભાવનગર રેલવે ડીવીઝનમાં સતત સઘન ટીકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ભાવનગર ડીવીઝન દ્વારા ટીકિટ ચેકિંગની આવકમાં સતત નવા આયામો સ્થાપિત થઇ રહ્યા છે. મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે. ભાવનગર મંડળે ટિકિટ વિના/અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી રૂ 1,08,36,785 (રૂપિયા એક કરોડ આઠ લાખ છત્રીસ હજાર સાત સો પંચ્યાસી) એકત્રિત કર્યા છે, જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. અગાઉ, ભાવનગર મંડળે એપ્રિલ, 2022માં 11,912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285 અને માર્ચ, 2022 મહિનામાં 9462 મુસાફરો પાસેથી રૂ. 61.39 લાખ વસૂલ્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન, મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી અને તમામ રેલવે મુસાફરોને યોગ્ય ટિકિટ ખરીદીને મુસાફરી કરવા અપીલ કરી છે.

Previous articleભાવનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા “રોજગાર ક્યાં છે” કાર્યક્રમ અંતર્ગત રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો, પોલીસે અટકાવતા બંને વચ્ચે ખેંચતાણ થઈ
Next articleનેપાળની વિમાન દુર્ઘટના તેમજ સેંદરડા અને ભરુચ ખાતે આકસ્મિક ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુની સહાય