બાંકડાની આવરદા વધારવા બાંકડા ઊંધા ગોઠવ્યા છે!!!! (બખડ જંતર)

19

બખડજંતર ચેનલ તરફથી હું એટલે ગિરધર ગરબડીયા-મુખ્ય-ગૌણ જે કંઇ કહો તે રિપોર્ટર અને કેમેરામેન રાજુ રદી એક નગરપાલિકાની બેઠકનું કવરેજ કરવા સ્પોટ પર પહોંચ્યા.
બેઠકમાં ભાગ લેનાર સૌ બાપના બગીચા કે લવ ગાર્ડનમાં-પરિમલ ગાર્ડનમાં ટહેલતા હોય તેમ આવી રહ્યા છે. તેમના મુખકમળ ગુટકા,પડીકીને ન્યાય આપી રહ્યા છે. જો કે, બેઠકના હોલની દિવાલો પર તમાકુ ચાવવી અપરાધ છે, તેના માટે ફલાણા કાયદાની ઢીંકણી કલમ મુજબ દંડ થઇ શકે છે.સભાગૃહની દિવાલો લાલ પિચકારીથી સુશોભિત થઇ રહી હતી. “પાન ખાંયે શૈયા હમારા, હાંય હાર્યે મલમલકા કુરતા , કુરતે પે છીંટે લાલ’”ગીતનું અનાયાસ સ્મરણ થયું.ઝભ્ભા-લેંઘા- કોટીમાં સજ્જ સભ્યશ્રીઓ થિયેટરના કલાકોરો સમાન ભાસતા હતા.
બેઠક શરૂ થવામાં વાર હતી. બે-ત્રણ સભ્યોએ શાક માર્કેટમાં રીંગણા સો ના કિલો એવી બૂમ મારતા બકાલીની જેમ ગરમી બહુ છે, એસી મિનિમમ ટેમ્પરેચર પર સેટ કરવા સેવકોને આદેશ આપતા હતા. ત્રણ-તાર ભૂખાળવા( આમ તો દરેક ખાવા માટે તલપાપડ હોય!! હાઇ કિમાન્ડ ભલે ખંગ ખાય નહીં અને ખાવા દેવાની મનાઇ ફરમાવે) સભ્યોએ પ્રલંબ બગાસાંની શૃંખલા વચ્ચે ચપટી વગાડીને નાસ્તો ન આપો તો કાંઇ નહીં પણ હાઇકલાલાસ ચા તો પિવડાવો એવી પેયાત્મક અપીલ-આદેશ કરતા હતા.
થોડાંક સભ્યો બેઠકના સભ્યો સમય અંગે કચકચ કરતા હતા. કેટલાક એજન્ડા શું છે તેની પૃચ્છા કરતા હતા. ટુંકમાં બેઠક પહેલાંનો પ્રમાદાત્મક માહોલ .સેક્રેટરી જેવો દેખાતો બુડથલ બાબુ માઇક ટેસ્ટિંગ હેલાવ હેલાવ કરતો હતો.
પ્રમુખ સાહેબ પધાર્યા. બધા મને કમને ઉભા થઇ આદર આપવાનો ડોળ કર્યો.જાતજાતની જય બોલાઇ. કમિશનર શાંતિ જાળવવા વિનંતી કરી અને બેઠક શરૂ કરવા અનુમતિ માંગી. પ્રમુખે ડોકું હકારમાં ધુણાવી સંમતિ આપી. કમિશનરે પ્રારંભિક ઉદબોધન કરવા પ્રમુખને વિનંતી કરી.
પ્રમુખે “ભાઇઓ.,,. “કહી બોલવાનું શરૂં કર્યું.
“સાહેબ અમારી હાજરીની નોંધ લેજો “પ્રમુખની માનીતી છમકછલ્લોએ કામુક અંદાજમાં કોમેન્ટ કરી.
“તમારી અર્ધી રાતે પણ મીઠી નોંધ લઇએ છીએ, મેડમ!!”લાળ ટપકાવતા પ્રમુખ મહોદય વદ્યા!!
“ સાહેબ, બેઠકનો આ એજન્ડા નથી. બેઠક પછી રસિક થજો. “ પ્રમુખ વિરોધી દળના અસંતુષ્ટ પ્રમુખની ફિરકી લીધી.
“ સાહેબ અમારી ફરિયાદ છે” સામેની બાજુ ગણીને ત્રણ સભ્યો છે. એમાંના એક સ્કૂલમાં આંગળી ઊંચી કરીને કશુંક બોલવા રજા માંગે તેમ કહ્યું.
“તમારે ક્યારે ફરિયાદ હોતી નથી. પ્રજાએ તમને ચૂંટ્યા એ જ મોટી ફરિયાદ છે. બોલો શી ફરિયાદ છે? “ પ્રમુખે કટ ટુ સાઇઝ વેતરી પૂછયું.
“ સાહેબ એજન્ડામાં પાના ઊંધાચતા છે!” સામેના અ નામના સભ્યે ફરિયાદ કરી. પ્રમુખ જવાબ આપે તે પહેલાં ટ્રેઝરી બેંચના ક મામના સભ્યે બાઉન્ડરી લગાવી .
“ સામે છો તો ઊંધુચતું જ મળે. મળે છે તેનો આભાર માનો. સીધો એજન્ડા જોઈતો હોય તો વિપક્ષના વાડ કૂદી અમારી બાજુ આવી જાવ.”
“અમે. તમારી બાજુ આવી જઇશું તો તમને તકલીફ પડશે. અમને ટ્રેઝરી બેંચ કોઇ ક્રિમી કમિટીના ચેરમેન બનાવશે. અમારા વાળા તમારે ત્યાં આવી મંત્રી બનીને તમારી છાતી પર અડદ, મગ, મઠ દળે છે. તમે ચૂંટણી બેઠકમાં ખુરશી ગોઠવવા અને ઝંડા-પોસ્ટર લગાવ્યા કરજો. જમવામાં જગલો અને કુટવામાં ભગલો!!” અ નામના સભ્યે શાસક પક્ષના બ નામના સભ્યને રાજકીય ચૂંટલો ખણ્યો.
“ બહુ ફિશિયારી ન કરો. તમારા એકટિંગ પ્રમુખની અમારે ત્યાં પેજ પ્રમુખની હેસિયત છે” ટ્રેઝરી બેંચના ગ નામના સભ્યે વાસ્તવ દર્શન કરાવ્યું.
“ માનનીય સભ્યશ્રીઓ આપણી આજની બેઠકનો એજન્ડા વિકાસ કામોનો છે, સામસામા સભ્યશ્રીઓને તેમના ગંદા લૂગડાં અહીં ન ધોવા વિનંતી છે!!” કમિશનરે વિનંતી કરી .
“ સાહેબ અમારા વિસ્તારમાં એક પણ સરકારી બ્યુટી પાર્લર નથી. અમને અર્ધી કિંમતે-ડિસ્કાઉન્ટ ભાવે લિપસ્ટિક દિનદયાળ ગ્રાહક ભંડારમાંથી આપશો કે કેમ ?” પક્ષાપક્ષીથી પર રહી શાસક-વિપક્ષ સર્વાનુમતે વેતન વઘારો કરે તેમ સામુહિક રજૂઆત કરી.
“ આ બધું આપણી નીતિમાં સામેલ નથી” પ્રમુખે દરખાસ્ત ખારીજ કરી.
“ હાય હાય. મહિલા સશકિતકરણની જયજયકાર કરવાની અને બ્યુટી પાર્લર જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવાની નહીં?? આમાં અમે કેવી રીતે સુંદર રહી શકીએ?”” મહિલા કોર્પોરેટરોએ કાબરની જેમ કલબલ કરી !!
“ સાહેબ અમારા વિસ્તારમાં? બાંકડા ઊંધા ગોઠવ્યા છે. બાંકડા લગાવવાની પોલિસીમાં ઊંધો ફેરફાર કર્યો છે?” જ નામના સભ્યે પૂછયું!!
“ મોંઘા ભાવના બાંકડાની આવરદા વધારવા ઉપરથી મળેલ સૂચના મુજબ બાંકડા ઊંધા ગોઠવ્યા છે, જેના ખૂબ જ ઉમદા પરિણામો મળ્યા છે” પ્રમુખે કહ્યું!!
બેઠકમાં ચર્ચા માટે કોઇ મુદો ન હોવાથી કમિશનરે બેઠક સમાપ્ત જાહેર કરી .

– ભરત વૈષ્ણવ

Previous articleભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ઓપન ટાઈટલ જીત્યું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે