ભાવનગરમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૨નો શુભારંભ

7

કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે ભૂતા રૂગનાથ શાળા નં. ૧૧ અને ૧૨ માં ૧૩૮ ભૂલકાઓનું ધોરણ-૧ માં નામાંકન
સમગ્ર રાજ્યમાં આજરોજ શરૂ થયેલ ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. જે અન્વયે ભાવનગરમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે ભૂતા રૂગનાથ શાળા નં. ૧૧ નાં ૬૮ અને શાળા નં. ૧૨ નાં ૭૦ ભૂલકાઓ એમ બંને શાળાનાં મળી કુલ ૧૩૮ નું નામાંકન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરાવવામાં આવ્યું હતું. કલેક્ટર યોગેશ નિરગુડે અને ડેપ્યુટી મેયર કુણાલકુમાર શાહે શૈક્ષણિક કીટ આપીને બાળકોનો હર્ષભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત આંગણવાડીનાં બાળકોને ચિત્રપોથી અને કલર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધોરણ ૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. કલેક્ટરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, શિક્ષણની શરૂઆત એ જીવનના બીજા તબક્કાની શરૂઆત છે. આથી તેને યાદગાર બનાવવા રાજ્ય સરકારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે. શાળાકીય શિક્ષણનું સ્તર ઉંચું જાય અને શાળા મંદિર બને, બાળકોના ઉત્સાહમાં વૃધ્ધિ થાય તે માટે રંગબેરંગી વાતાવરણમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ અને અધિકારીઓ ગામડામાં જઇને બાળકોને પ્રવેશ કરાવી રહ્યાં છે. ડેપ્યુટી મેયર કુણાલકુમાર શાહે જણાવ્યું હતું કે, બાળકોનો સર્વાંગી વિકાસ પહેલાં ધોરણથી જ શરૂ થળ જાય છે. આ તેની શૈક્ષણિક કારકિર્દીનું પ્રથમ પગથીયું છે. ત્યારે તેને હરખથી વધાવવાં માટે આજે સમગ્ર ગામ વાજતે- ગાજતે તેનો પ્રવેશ કરાવવાં માટે હાજર છે. તે સમાજમાં શિક્ષણ માટે આવેલી જાગૃતિનું દ્યોતક છે. આ કાર્યક્રમમાં કોર્પોરેટર નીતાબેન બારૈયા, કોર્પોરેટર રતનબેન વેગડ, કોર્પોરેટર ભરતભાઇ ચુડાસમા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સંજયભાઈ બારૈયા, બી. આર. સી. કલ્પેશભાઈ પંડ્યા, શાળા નં. ૧૧ નાં આચાર્ય હિતેશભાઈ જોશી, શાળા નં. ૧૨ નાં આચાર્ય સંગીતાબેન રમોલિયા તેમજ કીટનાં દાતા આનંદ નગર એસ.બી.આઈ. બેન્કનાં મેનેજર રોહિતભાઈ તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.