રાજુ રદીએ બોઇંગ વિમાન ખરીદવા ધક્કા બેંકમાંથી સાડા ત્રણ હજાર કરોડની લોન માંગી છે!!! (બખડ જંતર)

8

આપણે ત્યાં કરકસરનો મહિમા છે, સાથોસાથ દેવું કરવાનો પણ મહિમા છે. પારસ્પરિક વિરોધાભાસ ન કહેવાય? ત્રેવડ ત્રીજો ભાઇ એમ કહેવાય છે. પણ પહેલો ભાઇ કોણ અને બીજો ભાઇ કોણ એનો ફોડ પાડવામાં આવ્યો નથી. જેને ત્રણ ભાઇ ઓલરેડી હોય તેના કિસ્સામાં શું એ પણ જણાવ્યું નથી. આમાં આપણે શું કરવું?( કશું ન કરવું એવી મારી સલાહ છે.)બીજી બાજુ મહર્ષિ ચાર્વાક ઋણમ્‌ કૃત્વા, ધૃતમ્‌ પિબત્વા !! એટલે કે દેવું કરીને પણ ઘી પીવો. મને લાગે છે ચાર્વાક મુનિ લોન દેનાર કંપનીના બ્રાંડ એમ્બેસેડર તરીકે તગડું ઘી પીધું હશે!!! સાથોસાથ પછેડી હોય તેટલી સોડ તાણવા સલાહ આપવામાં આવેલી છે.
બેઠકો કે નાણાકીય સંસ્થાનું અસ્તિત્વ લોનાધારિત હોય છે.લોન અને બેંકોના વિકાસ વચ્ચે સહસંબંધ હોય છે. બેંકો કાગળ પરના વાઘ સમાન ઉધોગપતિને લોન આપવામાં કૃતકૃત્યતા અનુભવે છે. પૈસાગારને લોન આપવામાં નિયમોને ગિરવે મુકે છે. આવી લોનની એનપીએ-નોન પર્ફોરમિંગ એસેટની રકમ આપણા જીડીપી જેટલી વધતી જાય છે!! બટ હૂ કેર્સ? કેબીડી ? કોના પિતાશ્રીની દિવાળી. મજાની વાત એ છે કે બેંકો ખોટની ખીણમાં ધકેલાય અને પ્રમોટરો, મેનેજરો, ડેમેજરો, ઓફિસરેનનુ અંગત બેલેન્સશીટ તગડી થાય. પેલું કે છે ને કે વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો !!
આઝાદીના ઉષકાળે ખાનગી બેંકોની મનમાની, સમાજના નિમ્ન સ્તરને લોન આપવાની આનાકાની, બેફામ નફાખોરી વગેરે કારણો ધ્યાને લઇને કલમના ધોદે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરેલું . જાહેર ક્ષેત્રની બેંકોએ પ્રારંભે નેત્રદીપક કામગીરી કરેલી. પછી યુનિયનબાજી, કુપાત્રને લોન, સગાવાદ, ભ્રષ્ટાચાર, ગરીબોની અવગણના ઘટતી જતી નફાકારકતા, ગંજાવર ખોટ, અમીરોની આરતી વગેરે કારણોથી બેંકો નાભિશ્વાસ પર છે. ફરી સમયના કાંટા અવળા ફેરવી સરકાર સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાની ફિરાકમાં છે.કાં તો આ સરકાર ગલત છે અથવા આગળની સરકાર ગલત હતી!!
કેટલાક લોકો આંદોલનજીવીની જેમ લોનજીવી હોય છે. અખંડલોન એ તેનો મુદ્રાલેખ હોય છે. ખેતી સહકારી બેંકોમાં ખેડૂતો બાકી લેણું ત્રીસમી જૂને ભરીને તરતના દિવસે એટલે કે પહેલી જુલાઈએ લોન લઇ લે!!કેટલાક બાબુઓ તેને બરતરફ કે એવી મોટી સજા ન થાય એટલે જે કાંઇ મળવાપાત્ર લોન લીધે રાખે છે!!!
કેટલાક લોકોનું ચાલે તો ટૂથબ્રશ ખરીદી માટે બેત્રણ રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપી બાકીની રકમના દસ બાર હપતા કરાવે!! એમને ચાના પણ હપતા કરાવવા હોય છે.
માહિતીખાતાની જૂનાગઢ કચેરીમાં અબ્બાસ નામનો એક ખાનસામો હતો. અનુભવના આધારે માત્ર બે ચોપડી ભણેલ અબ્બાસ ગમે તેવા વિદેશી સાથે અસ્ખલિત અંગ્રેજી ફફડાવતો !! અબ્બાસ ચારે બાજુએથી ઉધારી કરતો હતો. ઉધારી કે લોનના ચક્કરમાં એટલો દેવાદાર થઇ ગયેલ કે તેનો પગારનો વહીવટ એકાઉન્ટન્ટ વસાણી કરતા હતા. અબ્બાસને દાઢી કરાલવી હોય તો વસાણી હજામને ચિઠી લખી દે તો જ હજામ અબ્બાસની દાઢી કરે. વસાણાની ચિઠી હજામ માટે ગિફટ કે ટ્રાવેલ ચેક હતી!!
કોઇ વસ્તુ રોકડે-ચેકથી ખરીદ કરીએ તો તેની માલિકી તરત જ ખરીદનારને તબદીલ થાય છે, જ્યારે હપતા પધ્ધતિમાં ખરીદવામાં આવેલ વસ્તુનો લેનાર વપરાશ કરી શકે .પણ એ ભાડા પધ્ધતિ છે. વસ્તુની કિંમત હપ્તા- વ્યાજ ચૂકવ્યા પછી માલિકી હક્ક ખરીદનારને મળે છે!!
અમે અભ્યાસ કરતા હતા ત્યારે અંગ્રેજોમાં એક પાઠ આવતો હતો.” ફાઇનલી બેબી ઇઝ અવર્સ”એક યુગલ. બંને નોકરી કરતા. ઘર, કાર,ઘરનું રાચરચીલું લોન લઇને ખરીદ કરેલ. બધાના હપતા ભરે. તેમને એક સંતાન થયેલ. સુવાવડ કરવા માટેની ડોકટરની ફીના પણ હપતા ચાલે. ક્યાંક ઓવરટાઇમ કે બોનસ જેવી વધારાની આવક થયેલ. તે રકમમાંથી ખર્ચ કરવા માટે પ્લાનિંગ ચાલે. બાળકીની માતા એવી પત્નીએ કહ્યું કે ડોકટરની ફીનો છેલ્લો હપતો ચુકવી દઇએ એટલે બેબી ફાઇનલી આપણી થઇ જાય!!
હમણા એક રસપ્રદ કિસ્સો બન્યો!!
મધ્ય પ્રદેશમાં મંદસૌર જિલ્લાની શામગઢ તહસીલના આગર ગામની મહિલા ખેડૂતે રાષ્ટ્રપતિને એક પત્ર લખીને હેલિકોપ્ટર ખરીદવા માટે લોન અને તેનું સંચાલન કરવા માટે લાઇસન્સની માંગ કરી છે. બસંતી બાઈ નામની સ્ત્રીને હેલિકોપ્ટર ખરીદીને ફરવાનું નથી, પરંતુ તેમની પીડા એ છે કે, કેટલાક લોકોએ તેમનો ખેતર જવાનો રસ્તો બંધ કરી દીધો છે. આવી સ્થિતિમાં તેમની પાસે હેલિકોપ્ટર દ્વારા ખેતરમાં પહોંચવાનો વિકલ્પ છે. મહિલાએ ખેતરનો રસ્તો ખોલવા માટે સરકારી કચેરીઓની મુલાકાત લીધી, પરંતુ કોઈ સુનાવણી થઈ નથી. આખરે તેમને આ પત્ર લખવો પડ્યો.
ખેતી હવે પોસાતી નહોવાનું કારણ આપીને મહારાષ્ટ્રના હિંગોળીના ૨૨ વર્ષના ખેડૂતે હેલિકોપ્ટર ખરીદીને તેને ભાડે આપવા રૃ. ૬ કરોડની બેન્ક લોનની અરજી કરી છે.
ઔરંગાબાદના હિંગોળી જિલ્લાના તકતોડા ગામના રહેવાસી કૈલાશ પતંગેએ ગોરેગાંવંમાં આવેલી બેન્કમાં લોનની અરજી કરી છે. પતંગે પાસે બે એકર જમીન છે. તેણે જણાવ્યું છે કે અનિયમિત વરસાદ અને દુકાળ જેવી સ્થિતિને લીધે છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેતી પરવડતી નથી. છેલ્લા બે વર્ષ મેં મારી ખેતીમાં સોયાબીન વાવ્યા હતા, પણ તેને કસોમસી વરસાદને લીધે સારો ભાવ મળ્યો નહોતો.પાકના વીમાની રકમ પણ પુરતી નહોતી, એમ પતંગેએ જણાવ્યું હતું.આ બાબતોને ધ્યાનમાં લઈને પતંગેએ હેલિકોપ્ટર ખરીદવાનો વિચાર સુઝ્‌યો હતો અને તેને ભાડે આપીને સારી કમાણી કરવાનો વિચાર સ્ફૂર્યો છે.પતંગેએ જણાવ્યું હતું કે એવું કોણે કીધું કે મોટા લોકો જ મોટા સ્વપ્ન જોઈ શકે છે? ખેડૂતોએ પણ મોટા સપના જોવા જોઈએ. મેં હેલિકોપ્ટર ખરીદવા રૂપિયા ૬.૬૫ કરોડની લોનની અરજી કરી ચે. અન્ય વ્યવસાયમાં ઘણી હરીફાઈઓ છે !!
આ જોઇને રાજુ રદી ઝાલ્યો રહે? ( જવાબઃ ના. જવાબ પૂરો.૧૦૦% રિઝલ્ટ!!)જેની પાસે કટિંગની કટિંગ ચા પીવાના રોકડા ખણખણતા પાંચ રૂપિયા નથી તેવા રાજુ રદીએ બોઇંગ વિમાન ખરીદવા માટે રૂપિયા ૩૫૦૦ કરોડની લોન આપવા ધક્કા બેકમાં અરજી કરી છે!!

– ભરત વૈષ્ણવ