“અંધકારની આરપાર” ૧૫ નેત્રહીનોને પોતાના જીવનમાં અજવાળા પાથરવા ઓર્બીટ રીડરનું વિતરણ કરવામાં આવ્યું

11

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાંથી બ્રેઇલલીપીનાં કૌશલ્યની ચકાસણી કરી યોગ્યતા ધરાવતા કુલ ૧૫ નેત્રહીન ભાઈ-બહેનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા ઓર્બીટ રીડરનું જાણીતા ઉદ્યોગપતિ ડૉ.રાની ચૌધરી (ડાયરેક્ટર-અલંગ ઓટો એન્ડ એન્જી.જન.કં.પ્રા.લી)ની પ્રેરક ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે ઓર્બીટ રીડર ૨૦ એક બ્રેઇલ ડીવાઈસ છે. જે કોઈપણ લીપીને બ્રેઇલ થી સામાન્ય લીપીમાં અથવા સામાન્ય લીપીને બ્રેઇલમાં કન્વર્ટ કરી શકે છે.જેની બજાર કિંમત રૂ.૩૭,૦૦૦/- થી પણ વધુ છે. ઓર્બીટ રીડર ૨૦ને તમે યુ.એસ.બી કેબલ કે બ્લ્યુટુથની મદદથી કોમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા જોડી લખાણનું આદાનપ્રદાન કરી શકાય છે.
ઓર્બીટ રીડર ૨૦ વિન્ડોઝ, મેક ઓ.એસ, અને આઈ.ઓ.એસ અને એન્ડ્રોઈડને સપોર્ટ કરે છે. એટલે કે મોબાઈલ કે લેપટોપમાં પડેલ કોઈપણ લખાણને વાંચી શકાય છે. આ ઓર્બીટ રીડર ૨૦ એક મીની કમ્પ્યુટર જેવું કામ આપે છે.જેનાથી તમે કોઈ મેસેજ કે ઈ-મેઈલ અથવા લખાણ ને વાંચી કે સેન્ડ કરી એસ.ડી.કાર્ડમાં સ્ટોર કરી પુસ્તકો વાંચી શકો છો. અંધજનોની અનોખી દૃષ્ટિ કહી શકાય એવા ઓર્બીટ રીડર-૨૦નું વિતરણ ડૉ. જીતેન્દ્રભાઈ ચિકારા, મહેશભાઈ પાઠક, વેણુગોપાલ નાયર, હર્ષકાંતભાઈ રાખશીયા, બીપીનભાઈ પંડ્યા, બાબુભાઈ જાળેલા, પંકજભાઈ ત્રિવેદી, કાનજીભાઈ અણઘણ સહીતનાં મહાનુભાવોનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હેલેન કેલરની ૧૪૨મી જન્મજયંતીની ઉજવણીનાં ભાગરૂપે “વિચારોની વાંસળીનાં સૂર” વિશેષ વાર્તાલાપ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ આપ્યો હતો જ્યારે ડૉ.રાની ચૌધરીએ સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી જણાવ્યું હતું કે હજુ આ ટ્રેઇલર છે પિકચર હજુ બાકી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ચિરાગભાઈ દેસાઈએ કર્યું હતું.