ભલુ થજો ભગવાનનું ! : સિંધુનગર સહિત શહેરના રસ્તાના ખાડાઓ આખરે પુરાયા

18

રોડ પાછળ કરોડોના ખર્ચ પછી પણ નગરજનો ખાડા ઠેકવા મજબુર, તડાપીટ બાદ રથયાત્રાના રૂટ પર થીગડા લાગ્યા
કરોડોનું બજેટ ધરાવતી ભાવનગર કોર્પોરેશન વિસ્તારના રસ્તાની હાલત ગૌરવ લેવા જેવી નથી. ચોમાસા પૂર્વે શહેરના ખખડધજ અને ધુળીયા રસ્તા રિપેર કરવામાં તંત્રએ સક્રિયતા નહીં દેખાડતા હવે આખરે રથયાત્રા પર્વને અનુલક્ષીને તંત્રએ રસ્તા રિપેર કરવા કહી શકાય કે રોડે ચડવું પડ્યું છે. એટલું જ નહીં પદાધિકારીઓને પણ રોડે ચડવાનો વખત આવ્યો છે ! શહેરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના પર્વે નિકળનાર છે ત્યારે રથયાત્રાના રૂટમાં આવતા રસ્તા રિપેર કરવા તંત્રને ફરજ પડી છે. રથયાત્રા સમિતિએ પત્રકાર પરિષદમાં ભાજપ શાસિત મહાપાલિકા તંત્ર તરફથી યોગ્ય સાથ-સહકાર નહીં મળતો હોવાનું ખુલ્લીને કહેવું પડ્યું હતું. શહેરના સિંધુનગર વિસ્તારમાં લગભગ ત્રણેક માસ પૂર્વે ડ્રેનેજ લાઇન માટે ખાળીયા ખોદ્યા બાદ રાબેતા મુજબ યોગ્ય પુરાણ નહીં કરી તંત્ર અને કોન્ટ્રાક્ટરે રીતસર રહિશોને બાનમાં લીધા હતાં. આજદિન સુધી તેની પરવા નહીં કરી તંત્ર ખાડા પુરવા ડોકાયું પણ ન હતું પરંતુ રથયાત્રાના રૂટમાં આ વિસ્તાર આવતો હોવાથી આખરે બે દિવસથી સિંધુનગરવાળા ખખડધજ રસ્તાને કામચલાઉ ટનાટન બનાવવા મથામણ આદરી છે. જો કે, તંત્રની આ કામગીરી રથયાત્રાને આભારી છે તેમ કહી શકાય ! રથયાત્રા સમિતિએ ભાજપ શાસિત કોર્પોરેશનના નબળા વહિવટ સામે ખુલ્લીને બળાપો કાઢ્યા બાદ આખરે મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન અને ડે.મેયર સહિતના પદાધિકારીઓએ તંત્રના ભરોસે ન બેસી રહી રથયાત્રાના સમગ્ર રૂટનો રાઉન્ડ લીધો હતો અને જરૂરી કેટલાક સુચનો કર્યાં હતાં. જો કે, પદાધિકારીઓના રાઉન્ડ દરમિયાન રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા અને ઇન્ચાર્જ સિટી એન્જિનિયર એવમ્‌ રોડ વિભાગના મુખ્ય ઇજનેર મકવાણા વચ્ચે સંવાદોની આપ-લે થઇ હતી અને મામલો ગરમાતા પદાધિકારીઓએ થાળે પાડવો પડ્યો હતો.

Previous articleશુક્રવારે યોજાનારી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા રિહર્સલ કરાયું
Next articleબાપાના ધામ બગદાણા પર મેઘરાજાનો જળાભિષેક સાંબેલાધાર સાત ઇંચ વરસાદ