ગધેડાની ઘટતી જતી વસ્તી વધારવા નવુંનક્કોર હોંચી વૃધ્ધિ મંત્રાલય શરૂ કરો અને તેનો હવાલો બે પગાના બદલે ચોપગાને આપો!!(બખડ જંતર)

2

ગધેડું માનવજીવનમાં ઓતપ્રોત થઇ ગયું છે. જેમ બરફના ગોળા પર કલર નાંખે અને કલર બરફમાં ઓતપ્રોત થઉં જાય, બરફ તેની ધવલતાનો લોપ કરી કલરમાં ઓગળી જાય તેન અદ્વૈત સાધે છે!!( સ્પષ્ટતા- અમે ચોપગા ગધેડા અભિપ્રેત છે. બીજું બધું વિચારવાની છૂટ છે!!) ગધેડાને ગદર્ભ,ખર, વેશાખનંદન કહેવામાં આવે છે.અમરકોષમાં ગધેડાને બાલેય,રાસભ, ચક્રીવંત, ગદહા, શંકીકર્ણ,ધૂસર, શીતલાવાહન નામે ઓળખાતા હતા.
પુરાણકાળમાં ગાયની જેમ ગધેડા પણ દાનમાં આપવામાં આવતા હતા.બ્રાહ્મણો ખુશી ખુશી ગધેડાનું દાન સ્વીકારતા હતા.ઉચ્ચ આચાર્યો પોતાનું નામ ગદર્ભીમુખ કે ગદર્ભવિપિત રાખતા હતા.રાવણના ભાઇનું નામ ખર હતું!!ઋુષિ વિશ્વામિત્રના પુત્રનું નામ ગદર્ભી હતું. રાજાના નામ પણ ખર રહેતા. વલ્લભી રાજ્યના શાસક ખર ગ્રહ પહેલો અને ખરગ્રહ બીજો તરીકે જાણીતા હતા.
વેદકાળમાં રથને ધોડા તેમજ ગધેડા જોડવામાં આવતા હતા .એવું પણ કહેવામાં આવે છે કે માતા સિતાજીનું અપહરણ કરવા જતી સમયે રાવણ મારિચી પાસે ગયો ત્યારે પિશાચનાં જેવા મુખવાળા ગધેડા જોડેલા રથમાં બેસીને ગયો હતો.
રાવણપુત્ર મેઘનાદ શ્રેષ્ઠ ગધેડા જોડેલા રથમાં સવાર થઇને યુધ્ધભૂમિમાં ગયો હતો!!રાવણ પાસે યુધ્ધમાં ૬૦ કોટિ ગધેડા ,ઊંટ અને અશ્વો હતા.પ્રબંધકોષમાં ગદર્ભભિલ્લ અને ગદર્ભવિધ્યાનો ઉલ્લેખ છે.પંજાબમાં ગધેડા પાળનારને ખરબંદા કહેવામાં આવે છે. હિન્દી ફિલ્મોમાં કુલભૂષણ ખરબંદા વર્સેટાઇલ એકટર છે!!
આપણા કકકા-બારાખડીમાં પણ ગ ગધેડાનો ગ એમ ભણાવવામાં આવે છે.
શૈશવકાળથી આજ દિન સુધીમાં દરેક વ્યકિતને નાત, જાત, લિંગ, ધર્મના ભેદભાવ વિના એકથી વધુવાર ગધેડાનો ઇલ્કાબ જાહેર કે ખાનગી રાહે એનાયત થયેલ હોય છે!!
ગધેડું ગમે તેટલું ઉધમી હોય, વેઇટલિફટર હોય, એથ્લેટ હોય પણ દેવીદેવતાના વાહન માટે પસંદગીનો કળશ તેના પર ઢોળવામાં આવેલ નથી. રાજાની પસંદગી માટે કિલ્લાના દરવાજા ખુલ્લે અને દરવાજામાં પ્રવેશ કરનાર કોઇ પક્ષ આગંતુક પર હાથણી કળશ ઢોળે એ વ્યકિત આમ આદમીમાંથી ખાસમખાસ- રાજા બની જાય. રાજવી પસંદ કરવા માટે ગધેડાની સેવા આઉટસોર્સિંગમાં કદી લેવામાં આવતી નથી. કોઇની બેઇજ્જતી કરવા માટે મોઢે કાળો રંગ લગાડી ગળામાં ખાસડાંનો હાર પહેરાવી ગધેડા પર અવળા પગે બેસાડી સરઘસ કાઢવામાં આવે છે!!
ગધેડાને વાણી, વર્તન અને વ્યવહારમાં સતત અન્યાયબોધથી નવાજવામાં આવે છે. જેમ કે વાઘ-સિંહનું રહેઠાણ બોડ, ઉંદરનું દર, કૂતરાનું કેનાલ, ગાયની ગમાણ, સાપનું ભોણ. પણ ગધેડાનું ?? બિચારો ગધેડો રહેઠાણ વિનાનો ખેતમજૂર છે!!! પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગધેડાને રહેઠાણ માટે અગ્રતા આપવાનો સમય પાકી ગયો છે.
આપણને મોરનો કેકારવ ગમે છે. કોયલનું કૂહું કૂહું ગમે છે. પોપટનું સિતારામ બોલવું ગમે છે. બુલબુલ, દૈયડ, બપૈયા, ગાય ઇવન કૂતરાનું ભસવું ગમે છે. પણ ગધેડું સારેગમને આત્મસાત કરી હોંચી હોંચીનું ગીત યમન કલ્યાણમાં ગ્વાલિયર ઘરાનામાં લલકારે છે તો આપણે તીન તાલમાં લાઠીરાગ આલાપીએ છીએ. આવું શા માટે ? શું તેને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી??શું તેને બંધારણીય અધિકાર નથી. તેના હક્કોના હનન માટે બંધારણીય ઉપચારો ન મળવા જોઇએ??
આપણે ત્યાં બહારગામ જતી સમયે કે શુભ પ્રસંગોએ વાછડી, ગાય, કુમારિકા કે સધવાના શુકન લેવામાં આવે છે. પણ ખોલકા, ખર કે ગધેડીના શુકન લેવામાં આવતા નથી.!!
ગધેડાના બચ્ચાંને ખોલકુ કહેવાય છે. ગધેડાને ખોલકા વ્હાલા લાગે છે જેમ સીદીભાઇને સીદકા વ્હાલા હોય છે.
સાહિત્યમાં ગધેડાને પૂરું સ્થાન મળેલ છે. ઘણી વાર્તા ગધેડા પર કેન્દ્રિત હોય છે.કહેવતોમાં ગધેડાને તાવ આવવો, ગધેડા પર અંબાડી, ગરજે ગધેડાને બાપ કહેવો, કીધો કુંભાર ગધેડે ન ચડે, કુંભાર કરતા ગધેડા ડાહ્યા, ગધેડા આગળ ગાજર લટકાવવું,ગધેડાની કોટે હીરો બાંધવો વગેરે.
ગધેડાઓમાં નજર લાગવા કે શુકન અપશુકનનું ચલણ હશે કે કેમ તેની ખબર નથી. કોઇ ગધેડું ફોટ પાડે તો ખબર પડે. પણ દેશ અને ગુજરાતમાં ગધેડાની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. ગધેડાની વસ્તી ૭૧% જેટલી ઘટી છે. આ સમાચાર સાંભળીને અમારા રાજુ રદીના હોંશ ઊડી ગયા છે. માનો કે પોતાની વસ્તી ઘટી ગઇ તેટલો આઘાત લાગ્યો છે!! હવે થયું તે થયું. આપણે કારણના મડદા ચૂંથવા નથી.
ગધેડાની વસ્તી વધે એ માટે સામુહિક પ્રયત્નો કરવાની તાતી જરૂરત છે. વનબંધુની પેટર્ન પર વૈશાખીનંદનબંધુ પેકેજ જાહેર કરો. “હર હર ઘર એક ખર “નો અમલ કરો. નોકરીમાં માટે રોસ્ટર પોઇન્ટની જેમ ગદર્ભ પોઇન્ટનો અમલ કરો.પ્રમોશનમાં પણ જેમણે ખોલકાનું પાલનપોષણ કર્યું હોય તેને જ પ્રમોશન આપવાનો ધોળો કાયદો બનાવો!! ગધેડાની વસ્તી વઘારવા માટે ગધેડાની લગ્ન કરવાની ન્યુનતમ વય મર્યાદામાં ઘટાડો કરો, સમુહ લગ્નોનું આયોજન કરો. ચિરંજીવી પ્રસુતિ યોજનાનો સગર્ભા ગધેડીને લાભ આપો. ગધેડા વૃધ્ધિ મંત્રાલય શરૂં કરો અને તેનો હવાલો બે પગાના બદલે ચોપગાને આપો!!

– ભરત વૈષ્ણવ