વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં ૭ હજાર સીસીટીવી સ્થાપિત

23

બીજા તબક્કામાં ૫૧ ટિયર-૩ શહેરોમાં ૧૦ હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરાશે : અત્યાર સુધી ૬,૨૦૦ થી વધુ ગુનાઓ ઉકેલાયા, ૭ કરોડની રકમ રિકવર થઇ અને ૯૫૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી : ૫૫ કરોડથી વધુ મૂલ્યના ઇ-ચલણ ઇશ્યૂ થયા, પેમેન્ટ પોર્ટલ દ્વારા પ્રક્રિયા સરળ અને પારદર્શી બનાવાઇ
ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે ૨૦૨૦માં રાજ્યભરમાં સીસીટીવી સ્થાપિત કરવાના વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ હતી તારીખ ૧-૫-૨૦૨૨ના રોજ ૭ હજાર સીસીટીવી સ્થાપિત કરવાનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હવે સરકાર તેના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે જેમાં તેનો વ્યાપ નાના શહેરોમાં વિસ્તરિત કરવામા આવશે. બીજા તબક્કામાં ટિયર -૩ શ્રેણીના ૫૧ શહેરોમાં ૧૦ હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરવામા આવશે. તેના માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરવામા આવી છે અને ૨૦૨૩ના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામા આવશે. ૨૦૧૩-૧૪માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઉભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. તેના આધારે મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ થયો હતો, જે રાજ્યના ૩૪ જિલ્લા હેડક્વાર્ટર, ૪૧ શહેરો અને ૬ આધ્યાત્મિક સ્થળો (સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, પાવાગઢ અને ડાકોર) તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરૂ કરવામા આવ્યો હતો. વિશ્વાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. સીસીટીવીના દ્રષ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ કહેવામા આવે છે. સીસીટીવી દ્વારા આ પ્રકારની વ્યવસ્થાના લીધે ૨૦૧૮થી ૨૦૨૧ સુધી રોડ અકસ્માતમાં ૧૯.૦૯ ટકા સુધીનો ઘટાડો થયો છે. ટ્રાફિક નિયમનની વાત છે ત્યાં સુધી ૧૩ જુન ૨૦૨૨ સુધીમાં રૂ. ૫૫,૨૦,૮૦,૧૦૦ના મૂલ્યાના ૧૫,૩૨,૨૫૩ ઇ-ચલણ ઇશ્યૂ કરવામા આવ્યા હતા. ઇ-ચલણની પ્રક્રિયા પેમેન્ટ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનની મદદથી સંપૂર્ણ પારદર્શક અને સરળ બનાવવામા આવી છે. સીસીટીવી સર્વેલન્સ અને ચલણ પ્રણાલીના લીધે રોડ બિહેવિયરમાં પણ બદલાવ જોવા મળ્યો છે. બોડી વોર્ન કેરા અને ડ્રોન કેમેરાના લીધે મર્યાદિત પોલીસ સંખ્યામાં પણ મોટા પાયે કામગીરી શક્ય બની છે. તેના લીધે પણ કામગીરીમાં પારદર્શિતા આવી છે. સીસીટીવી સર્વેલન્સમાં વિશ્વાસ અંતર્ગત અત્યારે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સોફ્ટવેર છે જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નીશન, રેડ લાઇટ વાયલેશન ડિટેક્શન, ચોરાયેલા વાહનો માટેની એલર્ટ પ્રણાલી છે. તેના દ્વારા ગેરકાયદે પાર્કિંગ, નડતરરૂપ પદાર્થોની ઓળખ, ભીડની ઓળખ, લોકોની ગણતરી, કેમેરા સાથે ચેડાં વગેરે સરળતાથી ઓળખી શકાય છે. પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે કુલ ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા આપવામા આવ્યા છે જ્યારે ૧૫ ડ્રોન કેમેરા છે. ડિજીટલ તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનની વાત છે ત્યાં સુધી ગુજરાતે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. અત્યારે સરકારની મહત્વપૂર્ણ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે અને તેના દ્વારા રાજ્યના નાગરિકોનું કામ સરળ બન્યું છે અને સમયની બચત થઇ રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સુશાસન માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આગામી દિવસોમાં ૨૦૦ પ્રકારની ઓનલાઇન સેવાઓ ગામડાઓ સુધી પહોંચે તેના માટે કામગીરી થઇ રહી છે. છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચશે તે જરૂરી છે અને અટલ બિહારી વાજપેયીજી પણ કહેતા હતા કે ગ્રામ્ય વિસ્તારો સુખી અને સમૃદ્ધ થશે તો સરવાળે દેશ સુખી અને સમૃદ્ધ થશે. આ પ્રોજેક્ટ અંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા, ગુનાહોના ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશ્વાસ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે. સરકારે યોગ્ય પ્લાનિંગ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોએ સીસીટીવી લગાવીને સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કામગીરી કરી છે. આગામી દિવસોમાં વિશ્વાસ પ્રોજેક્ટનો વ્યાપ નાના શહેરો સુધી વિસ્તરાવામા આવી રહ્યો છે જેનાથી લોકોને વધુ સુરક્ષા અને સવલતો મળી રહેશે. ”

Previous articleભાવનગરમાં આજે એક સાથે ૨૮ કોરોનાનો નવા કેસ નોંધાયા
Next articleઉમરાળા ગામના સિરાજનો આજે જન્મદિવસ